World Cup ODI: મેચ પહેલા પાકિસ્તાનના કેપ્ટને આપ્યું મોટું નિવેદન
અમદાવાદઃ અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની વનડે મેચ રમાડવામાં આવશે. આ મેચ માટે બંને ટીમ તરફથી જોરદાર તૈયારી કરી દેવામાં આવી છે, જ્યારે વરસાદના વિઘ્ન વચ્ચે પણ ચાહકો પણ હવે મેચ જોવા આતુર છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચની તુલનામાં આવતીકાલની મેચ સૌથી વધારે મહત્ત્વ આંકવામાં આવી રહ્યું છે, ત્યારે મેચ પૂર્વે પાકિસ્તાનના સુકાની બાબર આઝમે કહ્યું હતું કે અમે અમદાવાદના સ્ટેડિયમમાં રમવા માટે તૈયાર છીએ અને કોઈ દબાણમાં નથી.
બાબર આઝમે કહ્યું હતું કે ભૂતકાળમાં જે કાંઈ થયું તેનું અત્યારે કોઈ મહત્ત્વ નથી, અમે વર્તમાનમાં જીવવા ઈચ્છીએ છીએ. મને લાગે છે કે અમે સારું કરી શકીએ છીએ. ભારત અને પાકિસ્તાનની મેચ વચ્ચે રસાકસી રહેશે. મોટી સંખ્યામાં પ્રેક્ષકોની સાથે દુનિયાભરના લોકોને મેચ જોવા માટે ઉત્સુક છે, તેથી અમે ઉત્તમ પ્રદર્શન કરીએ એવી આશા ધરાવીએ છીએ. મેચની વાત કરીએ તો અમારી યોજના પહેલી દસ ઓવરમાં વિકેટ લેવાની રહેશે, જ્યારે 10 ઓવર પછી ચિત્ર અલગ હશે. આમ છતાં એના મુજબ અમારી યોજના રહેશે, એમ બાબરે જણાવ્યું હતું.
બોલિંગ મુદ્દે બાબરે કહ્યું હતું કે અમારી ટીમમાં નસીમ શાહ નહીં રમે એની ઉણપ વર્તાશે, પરંતુ અમારી ટીમમાં તેના સ્થાને શાહીન આફરિદી શ્રેષ્ઠ બોલર છે અને તેના પર અમને વિશ્વાસ છે અને તે પોતાના પર ખાસ વિશ્વાસ કરે છે. અમારા માટે આ દબાણવાળી મેચ હશે નહીં. ભૂતકાળમાં પણ અમે અનેક મેચ સાથે રમ્યા છે. હૈદરાબાદમાં પણ રમ્યા હતા અને જ્યાં અમને સમર્થન મળ્યું હતું તો અમદાવાદ માટે એવી જ આશા રાખીએ છીએ.
વન-ડે વિશ્વ કપની મેચમાં બંને ટીમનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વિરુદ્ધ જીત્યું છે, જ્યારે પાકિસ્તાને નેધરલેન્ડ અને શ્રીલંકાને હરાવ્યું છે. હવે રોહિત શર્મા અને બાબર આજમની નજર ફક્ત હેટ્રિક પર રહેશે.