મુંબઇઃ આજે એટલે કે 15મી નવેમ્બરે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ સેમિ-ફાઇનલ મેચ યોજાવા જઇ રહી છે. સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ આ મેચ જોવા માટે રાહ જોઈ રહ્યા છે. મુંબઈમાં આયોજિત મેચને કારણે ઘણા વીવીઆઈપી દર્શકોની ગેલેરીમાં જોવા મળશે. મુંબઈ ઈન્ડિયન્સની માલિક નીતા અંબાણી મેચ જોવા આવી શકે છે. મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને પૂર્વ ઈંગ્લેન્ડ ફૂટબોલર ડેવિડ બેહકમ પણ હાજર રહી શકે છે. બેકહામ અને સચિન યુનિસેફ સાથે જોડાયેલા છે.
બોલિવૂડની વાત કરીએ તો, સલમાન ખાન સ્ટેડિયમમાંથી ટીમ ઈન્ડિયાને ચીયર કરતા જોઈ શકાય છે. સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને રજનીકાંત પણ હાજર રહી શકે છે. આ બંને આઇકોનને BCCI દ્વારા ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ગોલ્ડન ટિકિટ આપવામાં આવી હતી. બંને સુપરસ્ટાર મુંબઈના વાનખેડે ખાતે બપોરે 2 વાગ્યે શરૂ થનારી આ મેચનો આનંદ માણશે. પીઢ અભિનેતા આમિર ખાન અને રણબીર કપૂર પણ મેચ જોવા આવવાની સંભાવના છે. ન્યૂઝ એજન્સી ANIએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંત ન્યુઝીલેન્ડ સામેની સેમીફાઈનલ ક્રિકેટ વર્લ્ડ કપ મેચ જોવા માટે મુંબઈ જતા જોવા મળ્યા હતા. મેચ જોવાનો એક અલગ જ ઉત્સાહ અભિનેતાના ચહેરા પર દેખાતો હતો.
એવી માહિતી પણ સામે આવી છે કે ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેના પરિવાર સાથે સ્ટેન્ડમાં જોવા મળી શકે છે. પગની ઘૂંટીમાં ઈજાના કારણે તે ચાલુ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હતો. આ સિવાય અન્ય મોટી હસ્તીઓ પણ મેચ જોવા માટે વાનખેડે ખાતે હાજર રહેશે.