સ્ટાર ખેલાડી પાછો મેદાન પર, મુંબઈ ઇન્ડિયન્સનો વિજય હવે તો પાક્કો જ છે
મુંબઈ: આઇપીએલની ઘણી સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)ની ટીમ શરૂઆતની ત્રણથી પાંચ મૅચ હાર્યા પછી વિજયીપથ પર આવતી હોય છે. પ્રારંભિક નબળાઈ પછી પણ સૌથી વધુ પાંચ વાર ટાઇટલ જીત્યા એ આ ટીમની સૌથી મોટી ખાસિયત છે. આ વખતે પહેલી ત્રણ મૅચ હારી ચૂકેલી એમઆઇને હમણાં તો નવા કૅપ્ટન હાર્દિક પંડ્યા સામેના ક્રિકેટપ્રેમીઓના પ્રચંડ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને સૌથી સફળ સુકાની રોહિત શર્માના નબળા ફૉર્મની પણ ટીમને ચિંતા છે, પરંતુ સૌથી આક્રમક અને ભલભલા બોલર્સને ધ્રુજાવી શકે એવો બૅટર સૂર્યકુમાર યાદવ પ્રૅક્ટિસ માટે પાછો મેદાન પર આવી ગયો છે.
ટી-20 ઇન્ટરનૅશનલ્સનો વર્લ્ડ નંબર-વન બૅટર સૂર્યકુમાર ઘૂંટણની સર્જરી બાદ સાજો થઈ ગયો છે. તે રવિવારે વાનખેડેમાં દિલ્હી કૅપિટલ્સ સામેની મૅચ રમશે કે કેમ એ તો હજી નક્કી નથી, પરંતુ તેની ફિટનેસ હમણાં તો ચકાસવામાં આવી રહી છે.
મુંબઈની ત્યાર પછીની મૅચ બૅન્ગલોર અને ચેન્નઈ સામે રમાવાની છે અને એમાં સૂર્યકુમાર નામનું તોફાન સ્ટેડિયમ ગજાવશે તો નવાઈ નહીં.
આપણ વાંચો: હાર્દિકને હટાવી ફરી રોહિતને મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન બનાવાશે?
સૂર્યકુમાર છેલ્લે ડિસેમ્બર, 2023માં જોહનિસબર્ગમાં સાઉથ આફ્રિકા સામેની સિરીઝની ત્રીજી ટી-20માં રમ્યો હતો જેમાં તેણે 56 બૉલમાં 100 રન ફટકાર્યા હતા.
પગની ઘૂંટીની સર્જરી ઉપરાંત સ્પોર્ટસ હર્ણિયાનું ઑપરેશન પણ તેણે કરાવડાવ્યું હતું. પરિણામે તે અફઘાનિસ્તાન સામેની ટી-20 શ્રેણીમાં નહોતો રમી શક્યો. જૂનના ટી-20 વર્લ્ડ કપ પહેલાંની ભારતની એ આખરી ટી-20 સિરીઝ હતી જેમાં સૂર્યકુમાર ન રમી શક્યો, પણ હવે આઇપીએલના ટી-20 મુકાબલામાં સારી એવી મૅચ-પ્રૅક્ટિસ કરી શકશે.