હાર્દિકને હટાવી ફરી રોહિતને મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન બનાવાશે?
મુંબઈ: આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની વર્ષોની પરંપરા રહી છે કે શરૂઆતની કેટલીક મૅચોમાં મોટા ભાગે પરાજય જોયા પછી આ ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં ઉપર આવતી હોય છે. ચેન્નઈની જેમ સૌથી વધુ પાંચ ટાઇટલ જીતી ચૂકેલી આ ટીમે ચૅમ્પિયનપદવાળી કેટલીક સીઝનમાં પણ પ્રારંભમાં પરાજયની હારમાળા જોઈ હતી. મુંબઈની ટીમની આ જ ખૂબી છે જે એના કરોડો ચાહકોને પહેલા મૂંઝવે છે અને પછી ખુશ કરી દે છે.
જોકે આ વખતે મામલો થોડો ગૂંચવાડાભર્યો છે જેને લીધે આ ટીમના અસંખ્ય ચાહકોમાં થોડો ક્રોધ છે. હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સની ચૅમ્પિયન અને રનર-અપ ટીમ છોડીને મુંબઈ પાછો આવી ગયો જે ગુજરાત-તરફી અનેક ક્રિકેટ ચાહકોને નથી જ ગમ્યું, તે મુંબઈ પાછો આવી જતાં રોહિતને કૅપ્ટનપદેથી હટાવાયો એ મુંબઈ-તરફી ઘણા ક્રિકેટલવર્સને નથી પસંદ પડ્યું.
આપણ વાંચો: IPL-2024: MIના Ex અને Current Captain Rohit Sharma And Hardik Pandya આવ્યા આમને સામને અને…
હાર્દિક પોતે 24મી માર્ચે ગુજરાત ટાઇટન્સ સામેની પહેલી મૅચમાં સાતમા નંબર પર બૅટિંગ કરવા આવ્યો એટલે વિવાદ થયો અને બુધવારે હૈદરાબાદની ટીમે 277/3ના વિક્રમજનક સ્કોર બાદ મુંબઈને હરાવવાની સાથે મુંબઈની ટીમ સતત બે મૅચ હારી એને લીધે પણ હાર્દિકની કૅપ્ટન્સી વગોવાઈ છે. અમદાવાદમાં અને પછી હૈદરાબાદમાં હાર્દિકનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો.
બુધવારે હૈદરાબાદને મુંબઈ (246/5)એ જોરદાર લડત આપી અને માત્ર 31 રનથી હાર્યું એ બદલ મુંબઈની ટીમની વાહ-વાહ પણ થઈ રહી છે, પણ હાર્દિક (20 બૉલમાં 24 રન) ધીમું ન રમ્યો હોત તો કદાચ મુંબઈ જીત્યું હોત એવું મનાય છે. આ બધુ જોતાં ક્રિકેટ વર્તુળમાં ચર્ચા છે કે મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટનપદે રોહિતને પાછો બિરાજમાન કરી દેવાશે અને હાર્દિક માત્ર પ્લેયર તરીકે રમશે. અગાઉ ચેન્નઈની ટીમમાં રવીન્દ્ર જાડેજાએ થોડી મૅચો સુકાન સંભાળ્યા બાદ એમએસ ધોનીને ફરી કૅપ્ટન્સી સોંપી દેવાઈ હતી.