મુંબઈ: રોહિત શર્મા તાજેતરમાં જ આઇપીએલ-2024ની સીઝનમાંથી બહાર આવીને થોડા દિવસ માટે પરિવાર પાસે પહોંચી ગયો છે. પચીસમી મેએ તે કેટલાક સાથી ખેલાડીઓને લઈને અમેરિકાના પ્રવાસે જવા રવાના થવાનો છે એટલે એ ટૂર પહેલાં થોડી પ્રૅક્ટિસમાં પણ વ્યસ્ત થઈ જશે. જોકે થોડા દિવસથી તેને એક વાત ખૂંચી રહી હતી જેને લઈને તેણે હવે ગુસ્સો બહાર કાઢ્યો છે.
હિટમૅને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને પોતાના ફૅન્સમાં સનસનાટી મચાવી દીધી છે. પોસ્ટ પરથી લાગે છે કે તેણે બહુ ગુસ્સામાં આ પોસ્ટ લખી છે. ખરેખર તો તેણે કોઈ ખેલાડી કે અમ્પાયર પર કે કોઈ અધિકારી કે વહીવટકાર પર નહીં, પણ આઇપીએલના બ્રૉડકાસ્ટર્સ પર ક્રોધ ઠાલવ્યો છે.
રોહિતની નારાજગી એ બાબતમાં છે કે ના પાડવા છતાં બ્રૉડકાસ્ટર્સે ખેલાડીઓની પર્સનલ બાબતોને લગતો વીડિયો પબ્લિક ડોમેઇનમાં એટલે કે જાહેરમાં મૂક્યો છે.
રોહિતનું કહેવું છે કે ખેલાડીઓની પણ પર્સનલ લાઇફ હોય છે, તેઓ દોસ્તો સાથે વાતચીત કરતા હોય કે ફૅમિલી મેમ્બર સાથે હોય તો એવી બધી દરેક ઘટનાને રેકૉર્ડ કરીને જાહેરમાં ન મૂકી શકાય.
આ પણ વાંચો: IPL-2024: ભાઈ પહેલાંથી જ મારી વાટ લાગી ગઈ છે…. Rohit Sharmaએ કોને કહ્યું આવું?
રોહિતે પોસ્ટમાં લખ્યું છે કે ‘આ તો ક્રિકેટર્સના અંગત જીવનમાં દરમ્યાનગીરી કરી કહેવાય. કૅમેરા દ્વારા અમારી દરેક હિલચાલ અને દરેક વાતચીતને રેકૉર્ડ કરવામાં આવી રહી છે. અમે અમારા દોસ્તો કે ફૅમિલી મેમ્બર્સ સાથે કે પ્રૅક્ટિસ દરમ્યાન કે મૅચના દિવસે જે કંઈ કરતા હોઈએ એ બધું રેકૉર્ડ કરવામાં આવે છે. બ્રૉડકાસ્ટર્સને કહ્યું હતું કે અમારી વાતચીત રેકૉર્ડ નહીં કરતા એમ છતાં એ રેકૉર્ડ કરાઈ અને ઑન એર પણ મૂકવામાં આવી. આ તો ગુપ્તતાનો ભંગ જ કહેવાય. એક્સ્ક્લૂઝિવ ક્ધટેન્ટ તેમ જ વ્યૂઝ મેળવવાના આ અભિગમમાં એક દિવસ ફૅન્સ, ક્રિકેટર્સ અને ક્રિકેટ વચ્ચેનો ગુમાવી દેશો.’
ખરેખર તો આઇપીએલ દરમ્યાન રોહિતના ઘણા વીડિયો વાઇરલ થયા હતા. એવા એક વીડિયોમાં રોહિત મુંબઈના ભૂતપૂર્વ પ્લેયર ધવલ કુલકર્ણી અને અન્યો સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે તેણે (રોહિતે) કૅમેરામૅનને તેમની વાતચીત રેકૉર્ડ ન કરવાની સૂચના આપી હતી. એ વીડિયોમાં રોહિત કહી રહ્યો હતો કે ‘ભાઈ ઑડિયો બંધ કરો, એક ઑડિયો ને મેરી વાટ લગા દી હૈ.’
રોહિત એમાં કેકેઆરના સહાયક કોચ અભિષેક નાયર સાથેની વાતચીતનો અને એના વાઇરલ થયેલા ઑડિયોનો ઉલ્લેખ કરી રહ્યો હતો. એના પરથી રોહિતના ચાહકો એવો અંદાજ બાંધવા લાગ્યા હતા કે રોહિત આગામી સીઝનમાં કેકેઆરમાં જઈ શકે એમ છે.