ચેન્નઈ: શુક્રવાર, બાવીસમી માર્ચે આઇપીએલની 17મી સીઝન શરૂ થઈ રહી છે જેની પ્રથમ મૅચ રાત્રે 8.00 વાગ્યે શરૂ થશે, પણ એ પહેલાં સાંજે 6.30 વાગ્યાથી એ જ સ્થળે (ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં) આઇપીએલનું આગવી સ્ટાઇલમાં ઓપનિંગ થશે. આ પ્રારંભિક સમારોહમાં બૉલિવૂડના સિતારાઓ ધૂમ મચાવતા જોવા મળશે.
આ પણ વાંચો: આઇપીએલ-2024ના કૅપ્ટનો શો-ટાઇમ માટે તૈયાર
પહેલી મૅચ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (આરસીબી) અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી) વચ્ચે રમાશે અને એમાં ખેલાડીઓ આઇપીએલના રણસંગ્રામમાં રનોત્સવનો આરંભ કરે એ પહેલાં ઍક્ટર્સ અને ઍક્ટ્રેસીસની સ્ટેજ પર ધમાલ જોવા મળશે. અભિનેતાઓમાં ખાસ કરીને અક્ષય કુમાર (અક્કી) અને ટાઇગર શ્રોફના પર્ફોર્મન્સીસ જોવા મળશે. જાણીતો સિંગર સોનુ નિગમ યાદગાર ગીતોથી હજારો પ્રેક્ષકો અને કરોડો ટીવી-દર્શકોને મંત્રમુગ્ધ કરશે, જ્યારે તે ખ્યાતનામ સંગીતકાર એ. આર. રહમાન સાથે મળીને દેશભક્તિ ગીત પણ ગાશે. તેઓ બૉલિવૂડના બીજા હિટ સૉન્ગથી પણ ચાહકોને ખુશ કરી દેશે. સ્વિડનના ડીજે એક્સવેલ પણ પર્ફોર્મ કરતા જોવા મળશે.
આ પણ વાંચો: IPL 2024: આઇપીએલના નવા કરોડપતિઓ પર એક નજર
ગયા વર્ષના ઓપનિંગમાં રશ્મિકા મંદાના, તમન્ના ભાટિયા અને સિંગર અરિજીત સિંહે પર્ફોર્મ કર્યું હતું.
એક અહેવાલ મુજબ આખો ઓપનિંગ સમારોહ 30 મિનિટનો હશે. એ દરમ્યાન ઑગ્મેન્ટેડ રિયાલિટી (એઆર) નામની ટેક્નોલૉજીની ઝલક પણ જોઈ શકાશે.
બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ, આઇપીએલના ચૅરમૅન અરુણ ધુમાલ તેમ જ બીજા મહાનુભાવો ઉપસ્થિત રહેશે.