સુનીલ નારાયણે રિટાયરમેન્ટ પાછું ખેંચવાની માગણીના જવાબમાં શું કહ્યું?
કોલકાતા: ક્રિકેટજગતમાં વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટની 1970 અને 1980ના દાયકા જેવી (હોલ્ડિંગ, માર્શલ, ઍન્ડી રોબર્ટ્સ, ગાર્નર, હેઇન્સ, ગ્રિનીજ, લૉઇડ, રિચર્ડ્સ વગેરેના સમયની) જાહોજલાલી તો કદી પાછી નહીં જોવા મળે, ત્યાર પછી 1990 અને 2000ના દાયકાની (બ્રાયન લારા, વૉલ્શ, ઍમ્બ્રોઝ, ચંદરપૉલ વગેરેના સમયની) ખ્યાતિ હતી પણ પાછી આવવાની સંભાવના નથી. એનું એક કારણ એ છે કે સુવર્ણ યુગમાં થઈ ગયેલા ખેલાડીઓ પાછા નથી જોવા મળતાં.
બીજું કારણ એ છે કે વહીવટતંત્રમાં રાજકારણ. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટમાં થોડા વર્ષોથી જે પૉલિટિક્સ ચાલે છે એને લીધે ઘણા ખેલાડીઓની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વહેલી સમેટાઈ ગઈ અને એમાં હવે ફ્રૅન્ચાઇઝી-આધારિત લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટો આવી એટલે ખેલાડીઓને ઇન્ટરનૅશનલ ક્રિકેટ છોડવાનું બહુ મોટું બહાનું મળી ગયું છે.
ઑલરાઉન્ડર સુનીલ નારાયણે 2023ના નવેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ગુડબાય કરી હતી અને તે કૅરિબિયન ટીમ વતી છેલ્લી ટી-20 મૅચ છેક ઑગસ્ટ, 2019માં (પાંચ વર્ષ પહેલાં) રમ્યો હતો. જોેકે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટને તેનું આઇપીએલમાંનું ફૉર્મ જોતાં આગામી જૂનના ટી-20 વર્લ્ડ કપ માટે જરૂર પડી છે એટલે તેને રિટાયરમેન્ટ પાછું ખેંચી લેવા મનાવવામાં આવી રહ્યો છે. છેલ્લા 12 મહિનાથી તેને સમજાવવામાં આવી રહ્યો છે, પણ તે નથી માનતો. વેસ્ટ ઇન્ડિઝના કૅપ્ટન રૉવમૅન પોવેલે ત્રણ દિવસ પહેલાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘અમે એક વર્ષથી નારાયણને નિવૃત્તિ પાછી ખેંચી લેવા સમજાવી રહ્યા છે, પણ તે કોઈને જવાબ જ નથી આપતો. તેણે દરેકના ફોન નંબર બ્લૉક કરી નાખ્યા છે.’
આપણ વાંચો: એકાનામાં ધોનીના દિવાના થયા ફેન્સ, આ રીતે તેમણે ચાહકોનો આભાર વ્યક્ત કર્યો
આઇપીએલમાં કેકેઆર વતી રમતા 35 વર્ષના સુનીલ નારાયણે ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટમાં લખ્યું છે, ‘ઘણા લોકોને મારો તાજેતરનો આઇપીએલ-પર્ફોર્મન્સ ખૂબ ગમ્યો છે અને તેઓ ઇચ્છે છે કે આગામી ટી-20 વર્લ્ડ કપ માટે થઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંની નિવૃત્તિ પાછી ખેંચી લઉં. તેમની આ પ્રશંસા અને શુભેચ્છાથી હું આનંદિત છું, પણ સ્પષ્ટ કહી દેવા માગું છું કે મેં જે નિર્ણય લીધો છે એ અફર છે.
હું ક્યારેય કોઈને નારાજ કરવા નથી માગતો, પણ ખુલાસો કરી દઉં કે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પાછા આવવાનો મારો કોઈ જ ઇરાદો નથી. જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ વતી વર્લ્ડ કપમાં રમનારા સાથી ખેલાડીઓને હું પ્રોત્સાહિત કરતો રહીશ. તેઓ વેસ્ટ ઇન્ડિઝને વધુ એક ટાઇટલ અપાવવા સક્ષમ છે. વિશ યુ ઑલ ધ બેસ્ટ.’
નારાયણે આઇપીએલની આ સીઝનમાં કેકેઆર વતી અત્યાર સુધીમાં 286 રન બનાવ્યા છે અને નવ વિકેટ લીધી છે. 16મી એપ્રિલે તેણે રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચમાં સદી (109) ફટકારી હતી.