
નવી દિલ્હી: રિષભ પંત કાર-અકસ્માત બાદ 16 મહિને પાછો રમવા આવ્યો છે, આઇપીએલની બે મૅચમાં તે પોતાના બોલર્સ પાસે નિર્ધારિત સમયમાં 20 ઓવર પૂરી ન કરાવી શક્યો એ બદલ તેને કુલ 36 લાખ રૂપિયાનો દંડ થયો છે અને હવે એક મૅચના સંભવિત પ્રતિબંધનો સામનો પણ કરી રહ્યો છે. એક તો તેનો પર્ફોર્મન્સ અપેક્ષા જેવો નથી અને તેની ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં સાવ તળિયે છે.
આઇપીએલમાં રિષભ માટે આ બધુ નકારાત્મક છે, પણ ટેસ્ટ-ક્રિકેટના રૅન્કિંગની બાબતમાં તેના માટે સારા સમાચાર આવ્યા છે. રિષભ દોઢ વર્ષથી ટેસ્ટ-ક્રિકેટ નથી રમ્યો એમ છતાં તેને ટેસ્ટના રૅન્કિંગમાં ફાયદો થયો છે. છેલ્લે તે ડિસેમ્બર, 2022માં ટેસ્ટ રમ્યો હતો. તે ટેસ્ટના બૅટર્સના રૅન્કિંગમાં 16મા સ્થાન પરથી 15મા નંબર પર આવી ગયો છે. આ એક ક્રમનો ફાયદો તેને થયો છે અને હવે પછી જ્યારે ભારત વતી ફરી રમશે ત્યારે આ રૅન્કમાં વધુ સુધારો જોવા મળી શકે.
ટેસ્ટ-બૅટર્સના ટૉપ-ટેનમાં ત્રણ ભારતીયો છે. રોહિત શર્મા છઠ્ઠા નંબર પર, યશસ્વી જયસ્વાલ સાતમા નંબર પર અને વિરાટ કોહલી નવમા નંબર પર છે. ન્યૂ ઝીલૅન્ડનો કેન વિલિયમસન પ્રથમ સ્થાને, જો રૂટ બીજા સ્થાને અને બાબર આઝમ ત્રીજા સ્થાને છે.
ટેસ્ટના ટીમ-રૅન્કિંગમાં ભારત નંબર વન, ઑસ્ટ્રેલિયા નંબર ટૂ અને ઇંગ્લૅન્ડ નંબર થ્રી છે.