
ધરમશાલા: મોહાલી નજીકના મુલ્લાનપુર પછી હવે ધરમશાલા પંજાબ કિંગ્સનું હોમ-ટાઉન છે અને એમાં એણે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને બૅટિંગ માટે આમંત્રણ આપીને 167/9ના સ્કોર સુધી સીમિત રાખી હતી. છઠ્ઠા નંબરે મોકલવામાં આવેલો રવીન્દ્ર જાડેજા (43 રન, 26 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) જો તારણહાર ન બન્યો હોત તો ચેન્નઈનો સ્કોર સવાસો રન સુધી પણ ન પહોંચી શક્યો હોત.
પંજાબનો સ્પિનર રાહુલ ચાહર (4-0-23-3) અને પેસ બોલર હર્ષલ પટેલ (4-0-24-3)એ ચેન્નઈની ટીમને પોણાબસો રન સુધી પણ નહોતી પહોંચવા દીધી.
ખાસ કરીને બન્ને બોલરે બે-બે બૉલમાં બે વિકેટ લીધી હતી અને આ ચાર ઝટકા ચેન્નઈની ટીમને ભારે પડ્યા હતા.
આઠમી ઓવર રાહુલ ચાહરે કરી હતી. એ ઓવરના પ્રથમ બૉલમાં (7.1) ચાહરે ચેન્નઈના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ (32 રન, 21 બૉલ, એક સિક્સર, ચાર ફોર)ને વિકેટકીપર જિતેશ શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. બીજા જ બૉલ પર (7.2) ચાહરે શિવમ દુબે (0)નો કૅચ જિતેશને અપાવ્યો હતો.
કૅપ્ટન સૅમ કરૅને 19મી ઓવર હર્ષલ પટેલને આપી હતી અને તેણે ચોથા બૉલમાં (18.4) શાર્દુલ ઠાકુર (17 રન, 11 બૉલ, એક સિક્સર, બે ફોર)ને ક્લીન બોલ્ડ કર્યા બાદ એ પછીના બૉલમાં (18.5) એમએસ ધોનીને ક્લીન બોલ્ડ કર્યો હતો.
ચેન્નઈની ઇનિંગ્સમાં ડેરિલ મિચલ (30 રન, 19 બૉલ, એક સિક્સર, બે ફોર)નું પણ સાધારણ યોગદાન હતું. તુષાર દેશપાંડે (0) અને રિચર્ડ ગ્લીસન (2) અણનમ રહ્યા હતા.
પંજાબના બીજા બોલર્સમાં આગામી ટી-20 વર્લ્ડ કપના ખેલાડી અર્શદીપ સિંહે બે વિકેટ અને સૅમ કરૅને એક વિકેટ લીધી હતી. કૅગિસો રબાડાને અને હરપ્રીત બ્રારને વિકેટ નહોતી મળી.