અમદાવાદમાં અડધી રાતે અફઘાનિસ્તાનના આ ક્રિકેટરે કર્યું કામ
અમદાવાદઃ ઘરઆંગણે રમાઈ રહેલો વન-ડે વર્લ્ડ કપ પૂર્ણાહુતિના આરે છે, તેમાંય વળી ભારતની દરેક જીત સાથે ક્રિકેટપ્રેમીઓમાં ક્રિકેટ ફીવર છવાઈ રહ્યો છે. દિવાળીના મહાપર્વની પણ ભારતીય ટીમ સાથે વિદેશી ટીમ પણ દિવાળીના પર્વની શાનદાર ઉજવણી કરી હતી, જ્યારે અમુક ટીમ ભારતમાં છે ત્યારે તાજેતરમાં અફઘાનિસ્તાનની ટીમના ક્રિકેટરે અમદાવાદમાં નેક કામ કરીને લોકોનું દિલ જીતી લીધું હતું.
અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રહમાનુલ્લાહ ગુરબાજે નેક કામ કરીને દિવાળીના પર્વની શાનદાર ઉજવણી કરી હતી. ગુરબાજે કઈ રીતે લોકોનું દિલ જીતી લીધું એનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ફૂટપાથ પર સૂતા લોકોની પાસે પૈસા રાખ્યા હતા. આ વીડિયો મોડી રાતના ત્રણ વાગ્યાની આસપાસનો છે, જ્યારે લોકો ગાઢ નિદ્રામાં સૂતા હતા.
વીડિયોમાં જોવા મળે છે કે અમદાવાદમાં ગુરબાજ ફૂટપાથ પર સૂતા લોકોના માથા પર પૈસાની નોટ મૂકે છે, જેથી સવારે ઉઠીને લોકોને સરપ્રાઈઝ મળે. ગુરબાજે આપેલી 500-500 રુપિયાની નોટથી ગરીબોની દિવાળી જાણે રોશન થઈ ગઈ હતી.
ફૂટપાથ પર સૂતા લોકોના માથા પર પૈસા મૂક્યા પછી ગુરબાજ પોતાની કારમાં બેસીને જતો હોય છે, પરંતુ તેને જે કંઈ કર્યું એ કાબિલદાદને પાત્ર હતું. આ ઉમદા કાર્યને કારણે રહમાનુલ્લાહ ચર્ચામાં આવી ગયો હતો. ગુરબાજનો વીડિયો વાઈરલ થયા પછી તેના આ કામની લોકોએ સુપેરે નોંધ લઈને તેને બિરદાવ્યો હતો.
વર્લ્ડ કપ 2023ની જ વાત કરીએ તો અફઘાનિસ્તાનની ટીમે આ વખત અપસેટ પણ કર્યો હતો. દસ ટીમમાંથી છઠ્ઠા ક્રમે અફઘાનિસ્તાન રહ્યું છે, જેમાં નવ મેચમાંથી ચારમાં જીત અને પાંચમાં હારી હતી. એના પછી પડોશી દેશ પાકિસ્તાનની બરોબરી કરીને આઠ પોઈન્ટ રહ્યા છે. અફઘાનિસ્તાનની ટીમ કરતા પાકિસ્તાનની નેટ રન રેટ વધારે રહી હતી.