IPL 2024

ચાર દિવસમાં આ ત્રણ ખેલાડી રમશે 100મી આઇપીએલ-મૅચ

નવી દિલ્હી: ભારતનો મહાન પેસ બોલર ઝહીર ખાને બરાબર 100મી મૅચ રમીને આઇપીએલમાંથી એક્ઝિટ કરી હતી. મૂળ સાણંદનો પેસ બોલર હર્ષલ પટેલ 21મી એપ્રિલે 100મી મૅચ રમ્યો. આઇપીએલમાં અનેક ખેલાડીઓ 100થી વધુ મૅચ રમી ચૂક્યા છે અને એ બધામાં એમએસ ધોની 258 મૅચ સાથે પહેલા નંબરે છે. જોકે 100મી મૅચની સિદ્ધિની વાત નીકળી છે તો ખાસ કહેવાનું કે ચાર દિવસમાં વધુ ત્રણ ખેલાડી 100મી આઇપીએલ-મૅચ પોતાના નામે કરશે.

ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલની આજે 100મી મૅચ છે. આ મૅચ દિલ્હીમાં દિલ્હી કૅપિટલ્સ સામે રમાવાની છે. 24 વર્ષના ગિલે આઇસીસી અન્ડર-19 વર્લ્ડ કપ પછી 2018માં કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમીને આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. 2022માં ગુજરાત ટાઇટન્સ ટીમે ડેબ્યૂ કર્યું ત્યારથી તે એ ટીમમાં છે અને વર્તમાન સીઝનની શરૂઆત પહેલાં હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં પાછો આવતો રહ્યો એને પગલે ગિલને ગુજરાતની ટીમનો કૅપ્ટન બનાવાયો હતો.

ગિલે આઇપીએલની 99 મૅચમાં કુલ 3,088 રન બનાવ્યા છે, 129 રન તેનો સર્વોચ્ચ સ્કોર છે, તેના નામે ત્રણ સેન્ચુરી તથા 20 હાફ સેન્ચુરી છે, 38.12 તેની બૅટિંગ-ઍવરેજ છે, 135.20 તેનો સ્ટ્રાઇક-રેટ છે, તેના નામે 89 સિક્સર અને 299 ફોર છે.
ગુરુવાર, પચીસમી એપ્રિલે બેન્ગલૂરુ સામે હૈદરાબાદની મૅચ છે અને હૈદરાબાદની ટીમનો લેફ્ટ-હૅન્ડ પેસ બોલર જયદેવ ઉનડકટ 100મી આઇપીએલ-મૅચ રમશે.

આપણ વાંચો: ચલો દિલ્હી: પાટનગરમાં પહેલી વાર જંગ

આ સીઝનમાં તે ખાસ કંઈ સફળ નથી રહ્યો એટલે બની શકે કે ગુરુવારે તેને રમવાનો મોકો ન પણ મળે. જોકે 100મી મૅચ ગુરુવારે જ રમવા મળશે તો તે એ સિદ્ધિના ઉત્સાહમાં કદાચ પોતાના બેસ્ટ પર્ફોર્મન્સ સાથે વિકેટો લેવામાં સફળ થાય પણ ખરો. તેણે 99 મૅચમાં 95 વિકેટ લીધી છે. તેણે 2010માં આઇપીએલમાં ડેબ્યૂ કર્યું હતું. તે દિલ્હી, કોલકાતા, મુંબઈ, લખનઊ, બેન્ગલૂરુ, પુણે અને રાજસ્થાન ટીમ વતી પણ રમી ચૂક્યો છે. પચીસ રનમાં પાંચ વિકેટ તેનો બેસ્ટ પર્ફોર્મન્સ છે, બે વખત પાંચ વિકેટ લીધી છે અને 32.26 તેની બોલિંગ-ઍવરેજ છે.

મુંબઈ ઇન્ડિયન્સનો ઓપનર-વિકેટકીપર ઇશાન કિશન શનિવારે 100મી મૅચ રમશે. અગાઉ ગુજરાત લાયન્સ વતી રમી ચૂકેલા કિશને 99 મૅચમાં 2,516 રન બનાવ્યા છે જેમાં 99 રન તેનો હાઈએસ્ટ સ્કોર છે અને 28.91 તેની બૅટિંગ-ઍવરેજ છે. તેણે સ્ટમ્પ્સની પાછળથી 48 કૅચ પકડ્યા છે અને પાંચ સફળ સ્ટમ્પિંગ કરી છે. તેના નામે 16 હાફ સેન્ચુરી છે, જ્યારે આઠ વાર તે ઝીરોમાં વિકેટ ગુમાવી ચૂક્યો છે. તેના નામે 116 સિક્સર અને 239 ફોર છે. 136.36 તેનો સ્ટ્રાઇક-રેટ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button