IPL 2024

‘મારી મમ્મી પણ મારું નામ ખોટું લખતી હતી’, એવું કહીને સુપરસ્ટાર ક્રિકેટરે પોતાના નામમાં ફેરફાર કર્યો

મુંબઈ: રાજસ્થાન રૉયલ્સનો બ્રિટિશ બૅટર બટલર વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામેની મહત્ત્વની મૅચમાં ‘જોશપૂર્વક’ રમે કે ન રમે, આ મુકાબલા પહેલાં તેનામાં એવો તો જોશ આવી ગયો કે તેણે પોતાના નામમાં સત્તાવાર રીતે ફેરફાર જાહેર કરી દીધો હોવાનો અહેવાલ સોમવાર બપોરથી ચગ્યો હતો.

તેનું નામ છે તો Jos Buttler, પરંતુ તેણે નક્કી કર્યું છે કે હવે તેને Josh Buttler તરીકે જ ઓળખવામાં આવે.
બટલર 13 વર્ષથી ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમે છે. તેનું એવું માનવું છે કે ‘વર્ષોથી ઇંગ્લિશમાં મારા નામનો ખોટો સ્પેલિંગ લખવામાં આવ્યો છે. મારું નામ Jos છે, પણ બધા મને Josh કહીને જ બોલાવે છે.’

પહેલી એપ્રિલ હોય એટલે કોઈને પણ મજાક-મસ્તી થઈ હોવાની ગંધ તરત આવી જાય, પરંતુ એક અહેવાલ મુજબ ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હૅન્ડલ પરના વ્યંગાત્મક વીડિયોમાં બટલરના નેમ-ચેન્જની જાહેરાત કરી હતી.

આપણ વાંચો: IPL-2024ને લઈને ચેરમેન અરુણસિંહ ધુમાલ કરી આ મહત્ત્વની જાહેરાત…

33 વર્ષનો વિકેટકીપર-બૅટર ઘણા વર્ષોથી ઇન્ટરનૅશનલ ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં સતત સારું પર્ફોર્મ કરે છે. આઇપીએલની વર્તમાન સીઝનની પહેલી બે મૅચમાં રાજસ્થાન રૉયલ્સની ટીમ જીતી છે, પરંતુ ખુદ બટલર માત્ર 11 અને 11 રન બનાવી શક્યો છે એ વાત ખરી, પરંતુ ફરી તેના નામના વિષય પર આવીએ તો તેની સૌથી નજીકની વ્યક્તિઓ તેમ જ ચાહકો તેનું નામ ખોટી રીતે લખી રહ્યા હતા એનાથી કંટાળીને હવે તેણે પોતે જ નામમાં ફેરફાર કરી નાખ્યો છે.

બટલરે જાહેર કર્યું છે કે હું હવેથી Jos બટલર નહીં, પણ Josh બટલર છું.’
જોસેફ ચાર્લ્સ બટલરનો જન્મ સપ્ટેમ્બર 1990માં સમરસેટ કાઉન્ટીના ટૉન્ટન શહેરમાં થયો હતો. તે એ જ શહેરની કિંગ્સ કૉલેજમાં ભણ્યો હતો. તેની પત્નીનું નામ લુઇસ વેબ્લર છે અને તેમને બે પુત્રીઓ છે.

બટલરે વીડિયોમાં કહ્યું, ‘હું જૉસ બટલર, ઇંગ્લૅન્ડનો વન-ડે અને ટી-20નો કૅપ્ટન. આખી જિંદગી મેં મારું ખોટું નામ લખાતું, બોલાતું જોયું છે. સામાન્ય વ્યક્તિથી લઈને મારી મમ્મી સુધીના બધા જ લોકો મારા નામને ખોટી રીતે લખતા, બોલતા આવ્યા છે. મારા હૅપી બર્થ-ડેના કાર્ડમાં પણ મારું નામ ખોટી રીતે લખાયું હતું.

એ તો ઠીક, પણ મારા એમબીએના મેડલ પર પણ જૉસ નહીં, પણ જૉશ લખાયું છે. મારે હવે મારા નામને લગતી બધી સમસ્યાનું નિવારણ લાવવું છે. હું હવે સત્તાવાર રીતે પોતાને જૉશ બટલર તરીકે જાહેર કરું છું.’

બટલર ઇંગ્લૅન્ડ વતી 57 ટેસ્ટ, 181 વન-ડે અને 114 ટી-20 રમ્યો છે જેમાં તેણે કુલ 10,900 જેટલા રન બનાવ્યા છે અને સ્ટમ્પ્સની પાછળથી કુલ 500 જેટલા શિકાર કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button