મુલ્લાનપુર: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ 277/3નો સ્કોર નોંધાવનારી ટીમ છે અને એની પાસે અનેક સ્ટાર બૅટર્સ છે. જોકે મંગળવારે પંજાબ કિંગ્સ સામે આ ટીમની હાલત કફોડી હતી. પંજાબે બૅટિંગ આપ્યા પછી હૈદરાબાદની ટીમે 27મા રને બે ટ્રેવિસ હેડ અને એઇડન માર્કરમની વિકેટ ગુમાવી હતી અને પછી 65મા રન સુધીમાં અભિષેક શર્મા તથા રાહુલ ત્રિપાઠી પણ આઉટ થઈ ગયા હતા. જે સૌથી ડેન્જરસ મનાતો હતો એ હિન્રિચ ક્લાસેન 100 રનના ટીમ-સ્કોર પર આઉટ થઈ જતાં હૈદરાબાદની ઇનિંગ્સના અંતની ઘડીઓ ગણાવા લાગી હતી. જોકે ચોથા નંબર પર બૅટિંગ કરવા આવેલા નીતિશ કુમાર રેડ્ડી (64 રન, 37 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર)એ ટીમની આબરૂ બચાવી હતી. તેની હાફ સેન્ચુરી તેમ જ પચીસ રન બનાવનાર અબ્દુલ સામદ સાથેની 50 રનની ભાગીદારીને લીધે હૈદરાબાદને 182/9નો પડકારજનક સ્કોર મળી શક્યો હતો. નીતિશે પછીથી પંજાબના જિતેશ શર્માની વિકેટ લીધી હતી અને પ્રભસિમરન સિંહનો કૅચ પણ પકડ્યો હતો.
વાત એમ છે કે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી હૈદરાબાદને ગમે એમ કરીને પંજાબ સામે વિજય અપાવનાર 20 વર્ષના નીતિશ રેડ્ડીના અંગત જીવન વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે.
2023માં સનરાઇઝર્સ હૈદરાબાદના ફ્રૅન્ચાઇઝીએ નીતિશ રેડ્ડીને માત્ર 20 લાખ રૂપિયાની મૂળ કિંમતે ખરીદ્યો હતો. તેના મિત્રો અને આંધ્ર પ્રદેશના સાથી ખેલાડીઓ નીતિશ કુમાર રેડ્ડીને એનકેઆરના ટૂંકા નામે બોલાવતા હોય છે. આંધ્ર પ્રદેશના કૅપ્ટન અને ઑલરાઉન્ડર હનુમા વિહારીએ નીતિશ માટે એક્સ (ટ્વિટર) પર લખ્યું છે, ‘નીતિશ સાધારણ બૅકગ્રાઉન્ડમાંથી આવે છે. તેના પિતાએ તેની કરીઅર માટે થઈને નોકરી છોડી દીધી હતી. તેમણે નીતિશનું પાલનપોષણ કરવા ઉપરાંત તેને ક્રિકેટમાં કારકિર્દી બનાવવા વિશે માર્ગદર્શન પણ આપ્યું છે. તેઓ એવી પહેલી વ્યક્તિ છે જેમણે નીતિશ પર એવો વિશ્ર્વાસ મૂક્યો હતો કે તે સારો ક્રિકેટર બની જ શકે એમ છે. તેમના અથાક પરિશ્રમનું ફળ હવે નીતિશને મળી રહ્યું છે. નીતિશ 17 વર્ષનો હતો ત્યારથી હું તેને ઓળખું છું. ભવિષ્યમાં તે સનરાઇઝર્સ ઉપરાંત ભારતીય ટીમ માટે ઉત્કૃષ્ટ વિકલ્પ સાબિત થઈ શકે એમ છે.’
હનુમા વિહારીએ આઇપીએલની શરૂઆત પહેલાં જ નીતિશ માટે સોશિયલ મીડિયામાં લખ્યું હતું, ‘નીતિશમાં ઇન્વેસ્ટ કરવા જેવું છે. તે ફ્રૅન્ચાઇઝી ક્રિકેટમાં મોટું નામ કરી શકે એવો ઑલરાઉન્ડર છે. મને તેની બૅટિંગ તેમ જ પેસ બોલિંગ બહુ ઓછા ઑલરાઉન્ડરમાં જોવા મળી છે.’
2003ની 26મી મેએ જન્મેલો નીતિશ રેડ્ડી કિંગ કોહલીનો પ્રશંસક છે. તેણે આંધ્ર વતી 17 ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 566 રન બનાવ્યા છે અને બાવન વિકેટ લીધી છે. મંગળવારના પંજાબ સામેના મૅચ-વિનિંગ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સે નીતિશ રેડ્ડીના ભરપૂર વખાણ કર્યા છે.
નીતિશના પપ્પા મુત્યાલાએ તેમના પુત્ર વિશે કહ્યું, ‘બેન્ગલૂરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમીમાં હાર્દિક પંડ્યા સાથેની મુલાકાત બાદ નીતિશની કરીઅરમાં બદલાવ આવ્યો છે. ઍકેડેમીમાં અન્ડર-19ની મૅચ વખતે નીતિશને હાર્દિક પંડ્યા સાથે ચર્ચા કરવાનો મોકો મળ્યો હતો. ત્યારથી જ નીતિશે નક્કી કર્યું હતું કે તે ઑલરાઉન્ડર જ બનશે.’
Taboola Feed