IPL 2024સ્પોર્ટસ

આઇપીએલના ઈજાગ્રસ્ત પ્લેયરોનું લિસ્ટ બહુ લાંબુ: ધોની, ગિલ, પંતની ટીમને સૌથી મોટો ઝટકો

નવી દિલ્હી: આઇપીએલની 2024ની સીઝન શરૂ થવાને માંડ આઠ દિવસ બાકી છે ત્યારે ઈજા પામેલા ખેલાડીઓની લંબાતી જતી યાદીએ કેટલીક ટીમોની ચિંતા વધારી દીધી છે. સૌથી વધુ ઝટકો મહેન્દ્રસિંહ ધોનીના સુકાનવાળી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની ટીમને, શુભમન ગિલની કૅપ્ટન્સીવાળી ગુજરાત ટાઇટન્સ (જીટી) ટીમને અને કમબૅકમૅન રિષભ પંતની દિલ્હી કૅપિટલ્સ (ડીસી)ની ટીમને લાગ્યો છે.

ખાસ કરીને મોહમ્મદ શમી, માર્ક વૂડ, ડેવૉન કોન્વે, જેસન રૉય અને હૅરી બ્રૂક સહિત અનેક સ્ટાર પ્લેયર આ સીઝનની બહાર થઈ ગયા છે. અમુક ખેલાડી ઈજાને કારણે અને કેટલાક વર્ક લૉડને લીધે નથી રમવાના.

જીટીનો ગઇ સીઝનનો સુપરસ્ટાર બોલર મોહમ્મદ શમી પગની એડીના ઑપરેશનને કારણે આખી આઇપીએલમાં નહીં રમે. તેણે તાજેતરમાં જ લંડનમાં સર્જરી કરાવી હતી.

ઑસ્ટ્રેલિયાનો મૅથ્યૂ વેડ ઘરઆંગણાની શેફીલ્ડ શીલ્ડ ટૂર્નામેન્ટની ફાઇનલમાં રમવાનો હોવાથી આઇપીએલની એકાદ-બે મૅચમાં નહીં રમે.

કેએલ રાહુલની કૅપ્ટન્સીવાળી લખનઊની ટીમમાંથી મુખ્ય ફાસ્ટ બોલર માર્ક વૂડ બહાર થઈ ગયો છે. તે જૂનના ટી-20 વર્લ્ડ કપમાં રમવાનો જ છે અને ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડે તેને વર્ક લૉડના કારણસર આઇપીએલમાં ન રમવા કહ્યું છે.

ઈજાને કારણે પ્રસિદ્ધ ક્રિષ્ના નહીં રમે એટલે રાજસ્થાન રૉયલ્સની ટીમ થોડી નબળી પડી શકે. ઓપનર જેસન રૉયે અંગત કારણસર પોતાનું નામ પાછું ખેંચી લીધું હોવાથી તેમ જ ગસ ઍટક્ધિસન જૂનનો ટી-20 વર્લ્ડ કપ રમવાનો હોવાથી ફિટનેસ જાળવવાના હેતુથી તેણે આઇપીએલમાં રમવાનું ટાળ્યું છે.

ન્યૂ ઝીલૅન્ડનો સ્ટાર ઓપનર ડેવૉન કૉન્વે અંગૂઠાની ઈજાને કારણે આઇપીએલમાં નથી રમવાનો. સીએસકેને તેની ગેરહાજરીથી મોટી ખોટ વર્તાશે.

દિલ્હી કૅપિટલ્સનો સુકાની રિષભ પંત વિકેટકીપર-બૅટર તરીકે આઇપીએલમાં રમવા ફિટ જાહેર કરાયો છે ત્યાં તેની ટીમને હૅરી બ્રુકની બાદબાકીનો આઘાત સહન કરવો પડી રહ્યો છે. બ્રુકને ડીસીના ફ્રૅન્ચાઇઝીએ હરાજીમાં ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ટી-20 ઇન્ટરનૅશનલ્સનો નંબર-વન બૅટર સૂર્યકુમાર યાદવ જાન્યુઆરીમાં કરાવેલી સર્જરી બાદ હજી પૂરો સાજો નથી થયો એટલે મુંબઈ ઇન્ડિયન્સ વતી શરૂઆતની બે મૅચ કદાચ નહીં રમે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button