લખનઊ/કોલકાતા: શ્રેયસ ઐયરના સુકાનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ના બૅટર્સ જેમાં ખાસ કરીને સુનીલ નારાયણ, રમણદીપ સિંહ, ફિલ સૉલ્ટ અને અંગક્રિશ રઘુવંશીએ લખનઊમાં છગ્ગા-ચોક્કાનો વરસાદ વરસાવીને 50,000 પ્રેક્ષકો ખુશ કરી દીધા, પણ પછીથી કોલકાતાની ટીમ ખરેખરા વરસાદને કારણે કલાકો સુધી હેરાન થઈ હતી.
વાત એવી છે કે કોલકાતાની ટીમ પાંચમી મેએ લખનઊમાં રમ્યા બાદ હવે એની આગામી મૅચ છેક 11મી મેએ ઈડન ગાર્ડન્સમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે રમાવાની છે. બે મૅચ વચ્ચેનો પાંચ દિવસનો ગૅપ ચાલે છે. પાંચમી મેએ લખનઊ સામેની મૅચ બાદ શ્રેયસની ટીમ સોમવારે સાંજે લખનઊથી કોલકાતા જઈ રહી હતી ત્યારે દેશના પૂર્વ ભાગમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે તેમને હેરાનગતિ થઈ હતી. તેમની કોલકાતા માટેની ચાર્ટર ફ્લાઇટ પહેલા ગુવાહાટી તરફ અને પછી વારાણસી તરફ વાળવામાં આવી હતી. ટૂંકમાં, કોલકાતાના ખેલાડીઓનું વિમાન ખરાબ હવામાનને લીધે ક્યાંય લૅન્ડિંગ માટેની મંજૂરી ન મળતાં કલાકો સુધી હવામાં ચક્કર લગાવતું રહ્યું હતું.
Travel update: KKR's charter flight from Lucknow to Kolkata diverted to Guwahati due to bad weather ⛈️
— KolkataKnightRiders (@KKRiders) May 6, 2024
Flight currently standing at the Guwahati Airport tarmac. More updates soon pic.twitter.com/XFPTHgM2FJ
કોલકાતામાં એ દિવસે ભારે વરસાદ હતો. ઘણા માર્ગોમાં પાણી ભરાઈ ગયા હતા.
કોલકાતાની મીડિયા ટીમ દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી મુજબ તેઓ સાંજે 5.45 વાગ્યાની ચાર્ટર ફ્લાઇટમાં લખનઊથી રવાના થયા હતા. તેમની ફ્લાઇટ 7.25 વાગ્યે કોલકાતા ઍરપોર્ટ પર લૅન્ડિંગ થવાની હતી. જોકે રાત્રે 8.46 વાગ્યે અપડેટ આવ્યું કે ‘કોલકાતા ખાતે હવામાન ખરાબ હોવાથી કેકેઆરની ચાર્ટર ફ્લાઇટ ગુવાહાટી ખાતે વાળવામાં આવી રહી છે. એ ફ્લાઇટ હમણાં જ લૅન્ડ થઈ છે.’ ત્યાર બાદ રાત્રે 9.43 વાગ્યે નવી અપડેટમાં જણાવાયું કે ‘અમને ફ્લાઇટ ગુવાહાટીથી કોલકાતા પાછી લઈ જવા માટેની મંજૂરી મળી ગઈ છે. અમે અંદાજે રાત્રે 11.00 વાગ્યે પહોંચીશું.’
જોકે એ ફ્લાઇટ ઘણા પ્રયત્નો પછી પણ ફરી ખરાબ હવામાનને કારણે રાત્રે 11.00 વાગ્યે કોલકાતાના ઍરપોર્ટ પર નહોતી ઉતારી શકાઈ અને કોલકાતાને બદલે વારાણસી ખાતે વાળવામાં આવી હતી. અમે થોડી જ વાર પહેલાં વારાણસી પહોંચ્યા છીએ.’
છેવટે મધરાત બાદ 3.00 વાગ્યે કોલકાતાના ખેલાડીઓએ ઓવરનાઇટ સ્ટે માટે વારાણસીની હોટેલ (તાજ ગૅન્જીસ)માં ચેક-ઇન કર્યું હતું. કોલકાતા માટેની રિટર્ન ફ્લાઇટ મંગળવારે બપોરની હતી.
કોલકાતાની મુંબઈ સામેની ઈડન ખાતેની મૅચ 11મી મેએ રમાઈ જશે ત્યાર પછી કોલકાતાની બાકીની બે મૅચ અમદાવાદમાં ગુજરાત સામે (13મી મેએ) અને ગુવાહાટીમાં રાજસ્થાન સામે (19મી મેએ) રમાશે.