IPL 2024સ્પોર્ટસ

આઇપીએલની 17મી સીઝને તો ભારે કરી! 13 બૉલ દીઠ 1સિક્સર ફટકારાઈ

નવી દિલ્હી: ક્રિકેટજગતની સૌથી લોકપ્રિય ટી-20 લીગ ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નું આ 17મું વર્ષ છે અને એમાં છેલ્લા ત્રણ વર્ષથી લગભગ દરેક મેદાન બૅટર્સ માટે સ્વર્ગ બની ગયું છે અને બોલર્સનો દમ નીકળી જાય છે છતાં તેમને ખાસ કોઈ જશ નથી મળતો.

2024 એવું સતત ત્રીજું વર્ષ છે જેમાં કુલ સિક્સરનો આંકડો 1,000ને પાર થયો છે. જોકે આ સીઝન એવી છે જેમાં 1,000 સિક્સર સૌથી ઓછા બૉલમાં ફટકારવામાં આવી છે.

2022ની સીઝનમાં 1,000 છગ્ગા 70 મૅચ અને 16,269 બૉલમાં ફટકારવામાં આવ્યા હતા. 2023ની સીઝનમાં 1,000 છગ્ગા 67 મૅચ અને 15,391 બૉલમાં ફટકારાઈ હતી, પણ વર્તમાન સીઝનમાં હજી તો કેટલીક લીગ મૅચ અને નૉકઆઉટ રાઉન્ડ બાકી છે ત્યારે 1,000 સિક્સર માત્ર 57 મૅચ અને 13,079 બૉલમાં ફટકારાઈ છે.

આ સીઝનમાં હજી 17 મૅચ બાકી છે, કુલ 1,015 સિકસર ગઈ છે અને 2023ની સીઝનની વિક્રમજનક (1,124) સિક્સરના આંકડા સુધી પહોંચવામાં ફક્ત 110 સિક્સર બાકી છે.

આ વખતે સિક્સરના સંબંધમાં આશ્ર્ચર્યજનક બાબત એ છે કે મૅચ દીઠ લગભગ 18 સિક્સર ફટકારાઈ છે. એમાં પણ સરેરાશ દર 13 બૉલમાં એક સિક્સર ગઈ છે. 2023ની સીઝનમાં ઍવરેજ 15.34 બૉલ દીઠ એક છગ્ગો નોંધાયો હતો.
બુધવારે લખનઊ સામે હૈદરાબાદના બે બૅટર (ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા)એ 167 રનના નાના લક્ષ્યાંક માટે કુલ 14 સિક્સર ફટકારી હતી એના પરથી કહી શકાય કે આવનારા દિવસોમાં બૉલદીઠ સિક્સરની સરેરાશ વધુ ચોંકાવનારી બની શકે.


અહીં ખાસ જણાવવાનું કે 2008ની પ્રથમ સીઝનમાં 622 સિક્સર ફટકારવામાં આવી હતી. જોકે સૌથી ઓછી 506 સિક્સર 2009માં નોંધાઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button