હૈદરાબાદના હાઈ-સ્કોરિંગ મેદાન પર સનરાઇઝર્સે ચેન્નઈને 165/5 સુધી સીમિત રાખ્યું

હૈદરાબાદ: ચેન્નઈ સુપર કિંગ્સે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદે બૅટિંગ મળ્યા પછી પાંચ વિકેટે 165 રન બનાવ્યા હતા. આ જ હાઈ-સ્કોરિંગ મેદાન પર થોડા દિવસ પહેલાં મુંબઈ સામે 277/3નો સર્વોચ્ચ ટીમ-સ્કોરનો રેકૉર્ડ કરનાર હૈદરાબાદની ટીમના બોલર્સે ચેન્નઈના બૅટર્સને કાબૂમાં રાખ્યા હતા. ચેન્નઈના 165 રનમાં શિવમ દુબે (45 રન, 24 બૉલ, ચાર સિક્સર, બે ફોર), અજિંક્ય રહાણે (35 રન, 30 બૉલ, એક સિક્સર, બે ફોર), રવીન્દ્ર જાડેજા (31 અણનમ, 23 બૉલ, ચાર ફોર) અને ઋતુરાજ ગાયકવાડ (26 રન, 21 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ના મુખ્ય યોગદાનો હતા. જાડેજાની સાથે અણનમ રહેલા ભૂતપૂર્વ કૅપ્ટન ધોનીને માત્ર બે બૉલ રમવા મળ્યા હતા.
27મી માર્ચે હૈદરાબાદના આ ગ્રાઉન્ડ પર સનરાઇઝર્સના 277/3ના જવાબમાં મુંબઈએ 246/5ના સ્કોર બદલ 31 રનથી હાર જોવી પડી હતી. જોકે એ દિવસે કુલ 500-પ્લસ રન બનતા જોવા મળ્યા હતા.
હૈદરાબાદના ભુવનેશ્ર્વર કુમારને આ સીઝનમાં ભુવીએ રાચિન રવીન્દ્ર (12)ને માર્કરમના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ભુવીને પહેલી ત્રણેય મૅચમાં વિકેટ નહોતી મળી. કોલકાતા સામે તેને 51 રનમાં, મુંબઈ સામે 53 રનમાં અને ગુજરાત સામે 27 રનમાં એક પણ વિકેટ નહોતી મળી.
આપણ વાંચો: IPL-2024ને લઈને ચેરમેન અરુણસિંહ ધુમાલ કરી આ મહત્ત્વની જાહેરાત…
ભુવી સહિત હૈદરાબાદના પાંચ બોલરને એક-એક વિકેટ મળી હતી. એમાં કૅપ્ટન અને હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદેલા કમિન્સનો સમાવેશ હતો. જયદેવ ઉનડકટ, શાહબાઝ અહમદ અને ટી. નટરાજનને પણ એક વિકેટ મળી હતી.
હૈદરાબાદના કૅપ્ટન પૅટ કમિન્સે ટૉસ જીત્યા બાદ ફીલ્ડિંગ પસંદ કરી હતી.
તેની ટીમમાં એક ફેરફાર કરાયો હતો. મયંક અગરવાલ નાદુરસ્ત તબિયતને કારણે રમી શકે એમ ન હોવાથી તેના સ્થાને નીતિશ રેડ્ડીને ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. નટરાજન પણ ઈજામુક્ત થઈને પાછો આવ્યો હતો.
બીજી તરફ, ચેન્નઈની ટીમે પણ ફેરફાર કર્યા હતા. મુસ્તફિઝુર રહમાન અને પથિરાના ટીમમાં નહોતા. કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે કહ્યું હતું કે ‘મોઇન અલી, મહીશ થીકશાના અને મુકેશ ચૌધરીને ટીમમાં સમાવવામાં આવ્યા છે.’