![Sunil Narine bats explosively after drinking or what?: Viral video claims](https://bombaysamachar.com/wp-content/uploads/2024/05/Jignesh-MS-2024-05-09T202911.598.jpg)
કોલકાતા: કોલકાતા નાઇટ રાઇડર્સના આક્રમક ઑલરાઉન્ડર સુનીલ નારાયણનું બૅટ આ વખતે આગ ઓકી રહ્યું છે. તેણે અત્યાર સુધીમાં 11 મૅચમાં 183.66ના સ્ટ્રાઇક-રેટ (દર 100 બૉલ દીઠ રન) 461 રન બનાવી ચૂક્યો છે. 41.09 તેની બૅટિંગ-ઍવરેજ છે અને 461 રનમાં એક સેન્ચુરી અને ત્રણ હાફ સેન્ચુરી સામેલ છે. હાઈએસ્ટ રન જેના હોય એ બૅટરને ઑરેન્જ કૅપ અપાય છે અને નારાયણ એ લિસ્ટમાં પાંચમા સ્થાને છે.
કોલકાતાની ટીમને પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે પહોંચાડવામાં નારાયણની ફટકાબાજીનું મોટું યોગદાન છે. જોકે ગુરુવારે વાઇરલ થયેલા એક વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે નારાયણની વિસ્ફોટક બૅટિંગ પાછળ દારૂની કમાલ જવાબદાર છે. આનો મતલબ એ થયો કે નારાયણ દારૂ પીને બૅટિંગ કરવા મેદાન પર ઉતરે છે.
આ દાવામાં કોઈ દમ તો નથી, પણ હદ તો એ વાતની છે કે એમાં એવો વાહિયાત દાવો પણ કરાયો હતો કે લખનઊ સામેની જે મૅચમાં તેણે 39 બૉલમાં 81 રન બનાવ્યા એ મૅચ બાદ લખનઊના કૅપ્ટન રાહુલે આરોપ મૂક્યો હતો કે નારાયણ દારૂ પીને ફટકાબાજી કરે છે. રાહુલની ફરિયાદ પર બીસીસીઆઇએ તપાસ કરી અને એને જણાયું કે નારાયણ દારૂ પીને રમતો હોય છે એટલે તેને (નારાયણ) પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે તમને બતાવી દઈએ આ વીડિયોમાંના આ દાવાઓમાં કોઈ જ તથ્ય નથી અને એવી કોઈ વાત પણ સામે આવી નથી.