
કોલકાતા: સુપરસ્ટાર શાહરુખ ખાન અને ગૌરી ખાનનો નાનો દીકરો અબરામ ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર-કિડ્સમાંનો એક છે. તે ક્યારેક મનોરંજનની દુનિયામાં તેના સેલિબ્રિટી પૅરેન્ટ્સ સાથે ન્યૂઝમાં આવી જતો હોય છે, પણ બે દિવસથી ક્રિકેટના મેદાન પર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
શાહરુખ કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)નો સહ-માલિક છે અને આજે ઈડન ગાર્ડન્સમાં દિલ્હી કૅપિટલ્સ (ડીસી) સામેની મૅચ માટે રવિવારે પ્રૅક્ટિસનું ફન-સેશન રખાયું હતું જેમાં થોડી વાર માટે ખુદ શાહરુખ તેના પરિવાર સાથે મેદાન પર ઊતર્યો હતો. અબરામ તેના ભાઈ આર્યન અને બહેન સુહાનાની જેમ બહુ લાઇમલાઇટમાં નથી આવતો. જોકે જ્યારે પણ તે (અબરામ) જાહેરમાં હોય છે ત્યારે છવાઈ જાય છે. રવિવારે ઈડનમાં એવું જ બન્યું. તેણે બૉલ ફેંકવાની તૈયારી કરી અને બૅટિંગમાં હતો કેકેઆરનો પિંચ-હિટર રિન્કુ સિંહ. અબરામ ટૂંકા રન-અપ પરથી આવી રહ્યો હતો ત્યારે રિન્કુ તેના બૉલમાં ફટકો મારવા તૈયાર જ હતો.
અબરામ લેફ્ટ-હૅન્ડ બોલર છે એવું રન-અપ પરની તેની ઍક્શન પરથી લાગતું હતું, પરંતુ તેણે રાઇટ-હૅન્ડ બૉલ ફેંક્યો અને એ પણ વાઇડ. રિન્કુ સિંહની પહોંચની બહારનો એ બૉલ હતો અને ફટકો મારવામાં નિષ્ફળ જતાં બેસી પડ્યો હતો અને હસવા લાગ્યો હતો. એ વાઇડ-યૉર્કર હતો અને અબરામનો અંદાજ જોઈને નજીકમાં ઊભેલો શાહરુખ પણ જોતો રહી ગયો હતો.
સોશિયલ મીડિયામાં અબરામની રિન્કુને બોલિંગવાળો આ વીડિયો વાઇરલ થયો છે.
અબરામને ક્રિકેટ રમવા ઉપરાંત ગિટાર વગાડવાનો પણ શોખ છે. તે ઍક્ટિંગમાં પણ ડૅડીની જેમ બેસ્ટ બનવા માગે છે. સ્કૂલના ફંકશનમાં તે હંમેશાં ઍક્ટિંગથી લોકોના દિલ જીતી લેતો હોય છે.
રવિવારે ઈડનમાં બીજી તરફ, શાહરુખે ટેનિસ બૉલ સામે બૅટિંગ કરી હતી. તેણે અમુક શૉટ માર્યા પછી કૅચ ચડાવી દીધો હતો.