રોહિત-આગરકર વર્લ્ડ કપની ટીમમાં હાર્દિકને લેવા જરાય રાજી નહોતા?
ભારતીય કૅપ્ટન વિશ્ર્વકપ પછી નિવૃત્તિ લઈ લેશે કે શું?
નવી દિલ્હી: આઇપીએલની 17મી સીઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા વચ્ચેના સંબંધો સારા નથી એવું સત્તાવાર રીતે કે જાહેરમાં કંઈ જ નથી આવ્યું, પરંતુ અટકળોમાં કહેવાયું છે કે તેમની વચ્ચે બધુ ઠીક નથી.
આ વાત આઇપીએલ પૂરતી સીમિત રહેશે એવું મનાતું હતું, પણ એક અહેવાલ એવો વાઇરલ થયો છે કે પહેલી જૂને અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં જે ટી-20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે એ માટેની ટીમમાં હાર્દિક પંડ્યાને સમાવવાની રોહિત શર્મા અને ચીફ સિલેક્ટર અજિત આગરકરની ઇચ્છા નહોતી.
રોહિત વર્લ્ડ કપની ટીમનો કૅપ્ટન અને હાર્દિક વાઇસ-કૅપ્ટન છે.
આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી રોહિત રમ્યો હાર્દિકની કૅપ્ટન્સીમાં અને હવે વિશ્ર્વકપમાં હાર્દિક રમશે રોહિતના સુકાનમાં.
બન્નેને કારણે એમઆઇની ટીમના કૅમ્પમાં બે જૂથ પડી ગયા હોવાની શંકા ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કે થોડા દિવસ પહેલાં વ્યક્ત કરી હતી, પણ એ વિશે કંઈ બહાર નથી આવ્યું એટલે એ માત્ર શંકા જ રહી જશે.
સિલેક્શન કમિટીની મીટિંગમાં જે નક્કી થયું એ પછી આગરકરની બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ સાથે મીટિંગ થઈ હતી અને ત્યાર બાદ વર્લ્ડ કપની ટીમ જાહેર કરાઈ હતી.
એવું મનાય છે કે હાર્દિકે આઇપીએલની વર્તમાન સીઝનમાં સતતપણે બોલિંગ નથી કરી તેમ જ તેની ફિટનેસ વિશે પણ સંદેહ હોવાથી રોહિત અને આગરકર તેને વર્લ્ડ કપમાં લેવા નહોતા માગતા. જોકે કહેવાય છે કે કોઈક પ્રકારના ‘દબાણ’ને લીધે હાર્દિકનું નામ મુખ્ય 15 ખેલાડીઓમાં સામેલ કરાયું હતું.
આ રિપોર્ટમાં એવો દાવો પણ કરાયો છે કે જૂનના ટી-20 વર્લ્ડ કપ પછી રોહિત શર્મા રિટાયરમેન્ટ જાહેર કરી દેશે.