શમીના કારણે મળેલી જીતને ધર્મ સાથે જોડીને પાકિસ્તાનીઓ લોકોને ભડકાવી રહ્યા છે.
નવી દિલ્હીઃ મોહમ્મદ શમીની શાનદાર બોલિંગના કારણે ટીમ ઈન્ડિયાએ વન ડે વર્લ્ડ કપ 2023માં સતત સાતમી વાર જીત મેળવી હતી. ભારતીય ટીમે શ્રીલંકાને 302 રનના માર્જિનથી હરાવીને સેમિફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હતી. શમીએ 5 ઓવરમાં માત્ર 18 રન આપીને 5 વિકેટ લીધી હતી. શમીએ જેમ જેમ વિકેટ ઝડપી તેમ તેમ સમગ્ર દેશમાં ખુશીની લહેર વ્યાપી ગઇ. પરંતુ પાકિસ્તાનના લોકો શમીની આ સફળતાને પચાવી શક્યા નથી અને તેને ધર્મ સાથે જોડીને ભડકાઉ નિવેદનો આપી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર શમીનો વીડિયો શેર કરતા સૈફ નામના યુઝરે લખ્યું કે હતું કે મોહમ્મદ શમી પાંચ વિકેટ લીધા પછી સજદા કરવા માંગતો હતો, પરંતુ તેણે તરત જ પોતાની જાતને રોકી લીધા કારણ કે તે જે દેશ માટે રમે છે ત્યાંના લોકો ઇસ્લામના દુશ્મન છે.
હદ તો ત્યારે થઇ જ્યારે પાકિસ્તાનના પૂર્વ પ્રધાન ફવાદ ચૌધરીએ સૈફના આ ટ્વીટને રી-ટ્વીટ કર્યું અને લખ્યું કે ગૌરવની ક્ષણ મોહમ્મદ શમી. જોકે સૈફ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ક્યાંયથી એવું દેખાતું નથી કે તે સજદા કરવા ઘૂંટણિયે બેઠો હોય. શમી નીચે બેસીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યો હતો, ત્યાર બાદ બાકીના ખેલાડીઓ પણ તેની નજીક આવ્યા. શમી ક્યારેય ક્રિકેટના મેદાન પર મેચ દરમિયાન સજદા કરતો જોવા મળ્યો નથી.
ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શમી વિશે કરવામાં આવેલા ટ્વિટનું શું મહત્વ છે અને જે રીતે ફવાદ ચૌધરીએ તેના સમર્થનમાં રિ-ટ્વીટ કર્યું છે. શું આ ઈસ્લામ પ્રત્યે ભારત અને પીએમ મોદીની છબી ખરાબ કરવાનું ષડયંત્ર નથી? ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે અને અહીં તમામ ધર્મના લોકોને તેમની અનુકૂળતા મુજબ ધર્મ પાળવાની સ્વતંત્રતા છે.
સૈફ અને ફવાદ ચૌધરી કદાચ ભૂલી ગયા કે સમગ્ર પાકિસ્તાનની વસ્તી કરતાં મુસ્લિમ સમુદાયના વધુ લોકો ભારતમાં ખુશીથી રહે છે. ભારતને મોહમ્મદ શમી પર હંમેશા ગર્વ છે અને રહેશે, પરંતુ પાકિસ્તાનના લોકો તેની સફળતાને ધર્મ સાથે જોડીને લોકોને ઉકસાવવાનું કામ કરી રહ્યા છે.