મોટેરા ઇલેવન: માહીના ચાહક જય જાનીને પકડવા 11 સિક્યૉરિટી ગાર્ડ આવી ગયા, અમદાવાદમાં છ મહિનામાં બીજી ઘટના
અમદાવાદ: કોઈ પણ ક્રિકેટપ્રેમીને પોતાના સુપરહીરોને મળવાની ઇચ્છા અચૂક થાય, પરંતુ તેને રમતો જોવા વારંવાર સ્ટેડિયમમાં જાય તો પણ તેના સુધી પહોંચવા નથી મળતું. માત્ર તેને પર્ફોર્મ કરતો જોવા મળે છે. હા, ક્યારેક નજીકમાંથી પસાર થાય તો હાથ મિલાવવા મળે છે, પરંતુ કેટલાક ડાઇ-હાર્ડ ફૅન્સ એવા હોય છે જેઓ સ્ટૅન્ડ અને મેદાન વચ્ચેની ફેન્સ (વાડ) કૂદીને મેદાન પર પહોંચી જવાની મનમાં ગાંઠ વાળીને મૅચ જોવા આવતા હોય છે, પછી ભલે પોલીસનો માર ખાવો પડે તો એ પણ ખાઈ લેવાની તેમની તૈયારી હોય છે.
અમદાવાદમાં મોટેરા ખાતેનું ક્રિકેટજગતનું સૌથી મોટું સ્ટેડિયમ અલગ રીતે બે દિવસથી ચર્ચામાં છે. બે જ દિવસથી નહીં, છ મહિનાથી ચર્ચામાં છે.
છેલ્લા છ મહિનામાં બે વાર મેદાન પર ખેલાડીનો ચાહક દોડી આવવાની ઘટના બની છે. નવેમ્બર, 2023માં વર્લ્ડ કપ દરમ્યાન ઑસ્ટ્રેલિયાનો વેઇન જૉન્સન નામનો યુવાન જે ચીની-ફિલિપીન્સનો મૂળ વતની હતો, તે સલામતી કવચ ભેદીને તેના સુપરહીરો વિરાટ કોહલીને ભેટવા મેદાન પર પહોંચી ગયો હતો.
શુક્રવારે આ જ મેદાન પર ધોનીને મળવા (હાજી, મળવા) જયકુમાર જાની નામનો ચાહક મેદાન પર પહોંચી ગયો હતો.
ભાવનગર જિલ્લાના રબારિકા ગામનો આ યુવાન ધોની પાસે પહોંચવાની પેરવીમાં જ હતો. ધોની ત્યારે બૅટિંગમાં હતો અને ડીઆરએસને લીધે રમત થોડી વાર અટકી ગઈ હતી.
‘હું ધોનીનો ફૅન છું અને તેને મળવા મેદાન પર જાઉં છું,’ એવું નજીકમાં ઉભેલા પોલીસને કહીને જય જાની દોડ્યો હતો અને બૅરિકેડ્સ કૂદીને મેદાન પર દોડી ગયો હતો.
ધોનીની મોટા ભાગે આ છેલ્લી આઇપીએલ છે. ત્યાર બાદ કદાચ તે ફરી મોટી ટૂર્નામેન્ટ કે મોટી મૅચમાં રમતો જોવા નહીં મળે. થોડા સમયમાં લેજન્ડ્સ લીગમાં જોવા મળશે, પણ એ સિવાય નહીં. વાઇરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે ‘પિચ નજીક પહોંચી ગયેલો જય જાની તેના ‘ભગવાન’ ધોનીને પગે લાગ્યો હતો અને તેને ભેટ્યો હતો.
એટલું જ નહીં, ધોનીની મદદથી તે ઊભો થયો હતો અને તેના પર હાથ રાખીને પાછો આવી રહ્યો હતો ત્યારે ખુદ ધોનીએ પણ તેના ખભે હાથ રાખીને તેને અવિસ્મરણીય અનુભવ કરાવ્યો હતો. બન્ને જાણે મિત્રો હોય એ રીતે ચાલી રહ્યા હતા.
જોકે એક પછી એક સિક્યૉરિટી ગાર્ડ અને પોલીસ તેમની પાસે દોડી આવ્યા હતા અને યુવાનને પકડી લીધો હતો. જય જાનીને પકડવા એક બાદ એક કુલ 11 સલામતી રક્ષકની ટીમ ત્યાં (મોટેરાની ‘ગાર્ડ્સ ઇલેવન’) આવી પહોંચી હતી.
અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ ડી. વી. રાણાએ પીટીઆઇને કહ્યું હતું, ‘જય જાનીને ઇન્ડિયન પીનલ કોડની 447મી કલમ લાગુ પડશે. જય જાની અને તેનો ભાઈ પાર્થ ભાવનગરથી અમદાવાદમાં આ મૅચ જોવા આવ્યા હતા. ડીઆરએસના એક બ્રેક દરમ્યાન જય કાળા સ્ક્રીન નજીકની વાડ કૂદ્યો હતો અને પિચ તરફ તેણે દોટ મૂકી હતી. પછીથી તેને પકડીને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો. ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) નોંધાયા બાદ શનિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.