IPL 2024સ્પોર્ટસ

સૂર્યકુમારને કયો ઇશારો કરવા બદલ પોલાર્ડ અને ટિમ ડેવિડને દંડ કરાયો?

મુલ્લાનપુર: આઇપીએલમાં ક્રિકેટના ગ્રાઉન્ડ પર ખેલાડીઓ અને અમ્પાયરો પર કૅમેરા સતત મંડાયેલો હોય છે એટલે તેમની દરેક મૂવમેન્ટ એમાં ઝડપાઈ જતી હોય છે. જોકે ઘણી વાર મેદાન બહારની હિલચાલ પણ કૅમેરામાં કેદ થઈ જતાં એ ચર્ચાસ્પદ થઈ જાય છે.

ગુરુવારે પંજાબના મુલ્લાનપુરમાં આવું જ બન્યું. બીસીસીઆઇએ મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી ટિમ ડેવિડ અને બૅટિંગ-કોચ કીરૉન પોલાર્ડને એક અફેન્સ બદલ દંડ કર્યો, પણ એ ફાઇન શેના માટે થયો છે એ વિશે કેટલાક અહેવાલોમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી.


બીસીસીઆઇએ જણાવ્યું છે કે ટિમ ડેવિડ અને પોલાર્ડે આઇપીએલની કલમ 2.20 હેઠળ આચારસંહિતાનો ભંગ કર્યો છે, તેમણે લેવલ-1 હેઠળના નિયમનું ઉલ્લંઘન કર્યું છે એટલે બન્નેને મૅચ ફીના 20-20 ટકાનો દંડ કરાયો છે. બન્નેએ પોતાનો ગુનો કબૂલ્યો છે.


ઇંગ્લૅન્ડની એક જાણીતી વેબસાઇટના અહેવાલ મુજબ મુંબઈની ઇનિંગ્સમાં 15મી ઓવર પંજાબના અર્શદીપ સિંહે કરી હતી જેનો છેલ્લો બૉલ વાઇડ યૉર્કર હતો. સૂર્યકુમાર યાદવ એ બૉલ સુધી નહોતો પહોંચી શક્યો. બીજી રીતે કહીએ તો એ બૉલ સૂર્યકુમારની પહોંચની બહાર હતો. અમ્પાયરે એને વાઇડ જાહેર નહોતો કર્યો. જોકે બીજી ક્ષણે કૅમેરા ડગઆઉટ તરફ વાળવામાં આવ્યો હતો. હેડ-કોચ માર્ક બાઉચર તેમ જ ટિમ ડેવિડ અને પોલાર્ડને એ વાઇડ હોવાની ખાતરી હતી એટલે ટિમ ડેવિડ અને પોલાર્ડથી રહેવાયું નહીં અને તેમણે ડગઆઉટમાંથી સૂર્યકુમારને અંગ્રેજીના ‘ટી’ અક્ષરનો સંકેત આપીને ડીઆરએસ (ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ) માટે અપીલ કરવા કહ્યું હતું.


સૂર્યકુમારે રિવ્યૂ માગી અને અમ્પાયરે એ રિવ્યૂની અપીલ થર્ડ અમ્પાયર સુધી પહોંચાડતાં પંજાબનો કૅપ્ટન સૅમ કરૅન ગુસ્સે થયો હતો. થર્ડ અમ્પાયરે રિવ્યૂની પ્રોસેસ શરૂ કરી અને અર્શદીપના એ બૉલને વાઇડ જાહેર કર્યો હતો. અર્શદીપે વધુ એક બૉલ ફેંકવો પડ્યો જેમાં ફોર ગઈ હતી.


આઇપીએલની આચારસંહિતાના નિયમ 2.15 (બી) અનુસાર મેદાન પરનો કોઈ પણ પ્લેયર રિવ્યૂ લેવી કે નહીં એ સંબંધમાં મેદાન બહારની કોઈ પણ વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારની મદદ ન લઈ શકે.


એ જ મૅચમાં 19મી ઓવરમાં પણ વાઇડને લગતો વિવાદ થયો હતો. સૅમ કરૅનના વાઇડ યૉર્કરમાં બૉલ ટિમ ડેવિડના બૅટની નીચેથી પસાર થઈ ગયો હતો અને મુંબઈની ટીમ વતી વાઇડ સંબંધમાં થર્ડ અમ્પાયરની મદદ માગવામાં આવી તો તેમણે એને વાઇડ જાહેર કર્યો હતો.


જોકે નિયમ કહે છે કે બૉલ જો બૅટરની પહોંચની બહાર હોય તો જ એને વાઇડ ડિક્લેર કરી શકાય.


ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ટૉમ મૂડીએ અમ્પાયરિંગના ધોરણની ટીકા કરતા એક્સ (ટ્વિટર) પર લખ્યું હતું કે ‘થર્ડ અમ્પાયર તરીકે હવે સ્પેશિયાલિસ્ટને મૂકવામાં આવે તો સારું. અમુક અમ્પાયરો તો મેદાન પર જ સારા. થર્ડ અમ્પાયર અનુભવી હોવા જોઈએ અને તેમનામાં અમુક પ્રકારની બીજી આવડત પણ હોવી જરૂરી છે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button