કોલકાતા: ઈડન ગાર્ડન્સમાં પંજાબ કિંગ્સ સામે કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં છ વિકેટે 261 રન બનાવીને યજમાન ટીમને 262 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. કોલકાતાના બૅટર્સે કુલ 18 સિક્સર અને બાવીસ ફોર ફટકારી હતી. 261 રન ઈડનમાં હવે હાઈએસ્ટ સ્કોર છે.
ઓપનર્સ ફિલ સૉલ્ટ (75 રન, 37 બૉલ, છ સિક્સર, છ ફોર) અને સુનીલ નારાયણ (71 રન, 32 બૉલ, ચાર સિક્સર, નવ ફોર)ની જોડીએ શરૂઆતથી ધમાકા પર ધમાકા કર્યા હતા અને 138 રનની વિક્રમી ઓપનિંગ ભાગીદારી કરી હતી.
નારાયણ 11મી ઓવરમાં લેગ-સ્પિનર રાહુલ ચાહરનો શિકાર થયો એ સાથે કોલકાતાનું રનમશીન ધીમું પડતું ગયું હતું અને આ ઓપનર્સ બાદ બીજી કોઈની પણ હાફ સેન્ચુરી નહોતી થઈ. સૉલ્ટને સૅમ કરૅને ક્લીન બોલ્ડ કર્યો હતો.
વેન્કટેશ ઐયરે 23 બૉલમાં બે સિક્સર અને ત્રણ ફોરની મદદથી 38 રન, કૅપ્ટન શ્રેયસ ઐયરે 10 બૉલમાં ત્રણ સિક્સર અને એક ફોરની મદદથી 28 રન અને આન્દ્રે રસેલે 12 બૉલમાં બે સિક્સર, બે ફોર સાથે 24 રન બનાવ્યા હતા. શ્રેયસે હરીફ સુકાની સૅમ કરૅનની એક ઓવરમાં ત્રણ છગ્ગા અને એક ફોર સહિત 23 રન બનાવ્યા હતા. રિન્કુ સિંહ ફક્ત પાંચ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પંજાબના છ બોલર્સમાંથી અર્શદીપ સિંહે બે વિકેટ તેમ જ સૅમ કરૅન, રાહુલ ચાહર અને હર્ષલ પટેલે એક-એક વિકેટ લીધી હતી. રબાડાને બાવન રનમાં અને હરપ્રીત બ્રારને 21 રનમાં વિકેટ નહોતી મળી.
અનફિટ શિખર ધવનની ગેરહાજરીમાં પંજાબના કૅપ્ટન સૅમ કરૅને ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી હતી. જોકે ત્યારે એવું લાગ્યું કે જેમ દિલ્હીના રિષભ પંતે બે અઠવાડિયા પહેલાં હૈદરાબાદને બૅટિંગ આપીને ભૂલ કરી હતી અને પૅટ કમિન્સની ટીમ 266 રન બનાવી ગઈ હતી એમ કોલકાતાની ટીમ આ મૅચમાં 287 રનનો આઇપીએલ-રેકૉર્ડ તોડશે અથવા 300 રન સુધી પણ પહોંચી શકશે.
Taboola Feed