લખનઊ: લખનઊ સુપરજાયન્ટ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે આજે (સાંજે 7.30 વાગ્યાથી) લખનઊમાં ભારતરત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં (બન્ને ટીમનો) પ્રથમ લીગ રાઉન્ડનો છેલ્લો મુકાબલો થશે. ચેન્નઈ છમાંથી ચાર અને લખનઊ છમાંથી ત્રણ મૅચ જીતી છે.
આ ટક્કર બરાબરીની થઈ શકે, પરંતુ અમુક રીતે લખનઊની ટીમ ચેન્નઈથી થોડી નબળી છે.
લાગલગાટ ત્રણ વિજય બાદ કેએલ રાહુલની ટીમે પહેલાં તો તળિયાની દિલ્હીની ટીમ સામે પરાજયનો આંચકો સહેવો પડ્યો અને પછી કોલકાતાએ જોરદાર કરન્ટ આપ્યો અને એ સાથે લખનઊની નબળી બૅટિંગ સાવ ઉઘાડી પડી ગઈ.
કવિન્ટન ડિકૉક વહેલો આઉટ થાય છે, રાહુલ સારું સ્ટાર્ટ કર્યા પછી વિકેટ ગુમાવી બેસે છે અને માર્કસ સ્ટોઈનિસ સતત સારું નથી રમી શકતો. વનડાઉનમાં પણ હજી આ ટીમને ભરોસાપત્ર બૅટર નથી મળ્યો.
લખનઊની સૌથી મોટી ખામી એ છે કે આ સીઝનમાં પાવરપ્લેમાં એની માત્ર 25.66ની બૅટિંગ એવરેજ છે જે બધી ટીમોમાં સૌથી નીચી છે. ટૉપ-ઑર્ડર નિષ્ફ્ળ જાય એટલે મિડલમાં બેસ્ટ બૅટર નિકોલસ પૂરને આખો રથ ખેંચવો પડે છે અને ટીમને સન્માનજનક ટોટલ અપાવવું પડે છે, કારણકે ડેથ (છેવટની) ઓવર્સમાં પણ લખનઊની ટીમ સારુ નથી રમી શકતી. આખરની ઓવર્સમાં લખનઊની 10.04ની બૅટિંગ સરેરાશ તમામ ટીમોમાં લોએસ્ટ છે.
પૂરન પર આ ટીમ સૌથી વધુ આધાર રાખે છે. એનો એક પુરાવો પૂરતો છે. લખનઊની 15માંથી 12 સિક્સર પૂરને ફટકારી છે.
લખનઊને પોતાની બૅટિંગ-ફ્રેન્ડલી અને પેસ બોલર્સને વધુ અનુકૂળ પડે એવી પિચ પર આજે એડવાન્ટેજ છે, પરંતુ એણે ભૂલવું ન જોઈએ કે આજની હરીફ ટીમ ચેન્નઈની છે જે બૅક-ટુ-બૅક જીત મેળવીને બુલંદ જુસ્સા સાથે લખનઊ શહેરમાં આવી છે અને એના ફાસ્ટ બોલર્સ (પથિરાના, શાર્દુલ, દેશપાંડે વગેરે) આ સીઝનમાં શ્રેષ્ઠ ગણાય છે. ચેન્નઈના બોલર્સે મિડલની ઓવર્સમાં ફક્ત 7.03ના રેટથી રન આપ્યા છે એટલે એ તબક્કામાં લખનઊએ (ખાસ કરીને પૂરન, બદોની, સ્ટોઈનિસે) રનમશીનને વેગ આપવો જ પડશે.
યાદ રહે, ચેન્નઈનો મુખ્ય ફાસ્ટ બોલર મથીશા પથિરાના ત્રણ ઇનિંગ્સમાંથી ત્રણેય વાર પૂરનને આઉટ કરી ચૂક્યો છે. ચેન્નઈએ છેલ્લે 14મી એપ્રિલે વાનખેડેમાં પથિરાનાની ચાર વિકેટને કારણે જ મુંબઈને 20 રનથી હરાવ્યું હતું.
ચેન્નઈ આજે લોકલાગણીને માન આપીને બેટિંગમાં સફળ રહેલા પેસ બોલિંગ ઓલરાઉન્ડર શિવમ દુબેને બોલિંગ કરવાનો પણ મોકો આપશે તો લખનઊને ભારે પડી શકે.
જોકે લખનઊનો ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવ ઈજામુક્ત થઈને પાછો રમવા આવશે તો ચેન્નઈની ટીમના ઘણા સમીકરણો બદલાઈ શકે.
બન્ને ટીમની પ્લેઇંગ ઇલેવન આવી હોઈ શકે:
લખનઊ: કેએલ રાહુલ (કેપ્ટન, વિકેટકીપર), કવિન્ટન ડિકૉક, દીપક હૂડા, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, શમાર જોસેફ/મયંક યાદવ, મોહસીન ખાન. 12મો પ્લેયર : અર્શદ ખાન.
ચેન્નઈ: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), એમએસ ધોની (વિકેટકીપર), રાચિન રવીન્દ્ર, અજિંકય રહાણે, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, ડેરિલ મિચલ/મોઇન અલી, સમીર રિઝવી, શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, મથીશા પથિરાના. 12મો પ્લેયર: મુસ્તફિઝૂર રહમાન.