IPL Auction: મિશેલ સ્ટાર્કની પત્નીએ પતિ માટે આપ્યું મહત્ત્વનું નિવેદન

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની મિનિ ઓક્શનમાં ઓસ્ટ્રેલિયન મિશેલ સ્ટાર્ક 24.75 કરોડમાં ખરીદવામાં આવ્યા પછી સ્ટાર્ક ક્રિકેટ વર્લ્ડમાં છવાઈ ગયો છે, ત્યારે આ મુદ્દે પત્ની એલિશા હીલીએ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.
ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની કેપ્ટન એલિસા હીલીએ બુધવારે કહ્યું હતું કે તેના પતિ અને ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક વર્ષોથી કરેલી સખત મહેનતને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં તેના પર રેકોર્ડ બોલી લાગી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સે મંગળવારે દુબઈમાં યોજાયેલી હરાજીમાં સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો, જેનાથી તે આઇપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો હતો. એપ્રિલ 2016માં સ્ટાર્ક સાથે લગ્ન કરનાર એલિસા ગુરુવારથી અહીં ભારત સામે ટેસ્ટ રમશે.
તેણે મીડિયાને કહ્યું હતું કે સ્ટાર્ક માટે આ શાનદાર ક્ષણ છે. આ તેની સખત મહેનતનું પરિણામ છે અને કદાચ તેણે છેલ્લા આઠમાં પોતાના દેશને પ્રાધાન્ય આપવા માટે કરેલી પસંદગીઓનું પણ પરિણામ છે.
અહીં એ જણાવવાનું કે એલિસા અને ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે એપ્રિલ 2016માં લગ્ન કર્યાં હતા. ટેસ્ટ ક્રિકેટ રમનારું ત્રીજું કપલ છે. આ અગાઉ પચાસના દાયકામાં ઇંગ્લેન્ડના પ્રિડ્યુક્સ કપલ (રોજર અને રુથ) અને 80ના દાયકામાં ડી એલવીસ કપલ ટેસ્ટ રમનાર કપલ હતું.
એલિસા હીલીનો દિયર (મિચેલનો ભાઈ) બ્રેન્ડન સ્ટાર્ક હાઈ જમ્પર છે. બીજી મહત્ત્વની વાત કરીએ તો હીલીને ક્રિકેટ વારસમાં મળી છે, જેમાં તેના પિતા ગ્રેગ હીલી પણ આંતરારાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા નહોતા, પરંતુ તેના કાકા ઈયાન હીલીની ગણતરી વર્લ્ડ ક્રિકેટના સફળ વિકેટકીપર્સમાં કરવામાં આવે છે.