IPL ઓક્શન: 20 વર્ષનો રિઝવી બન્યો કરોડપતિઃ ચેન્નઇ સુપરકિંગ્સે 8.40 કરોડમાં ખરીદ્યો
દુબઇઃ ઉત્તર પ્રદેશ તરફથી રમતા યુવા અનકેપ્ડ સમીર રિઝવી ઇન્ડિયન પ્રિમિયર લીગની હરાજીમાં કરોડપતિ થઇ ગયો છે. ચેન્નઇમાં સુપર કિંગ્સની ટીમે સમીર રિઝવી પર 8.40 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કર્યો છે. ચેન્નઈની ટીમે 20 વર્ષના સમીર પર મોટો દાવ લગાવ્યો છે. સમીર છેલ્લા કેટલાક સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. સમીરની બેઝ પ્રાઇઝ ફક્ત 20 લાખ રૂપિયા હતી.
ઉત્તર પ્રદેશ તરફથી રમતા સમીર રિઝવીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 2 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. આ સિવાય તેણે 11 લિસ્ટ-એ અને 11 ટી20 મેચ રમી છે. તાજેતરમાં રમાયેલી ઉત્તર પ્રદેશ ટી 20 લીગમાં સમીરે આક્રમક બેટિંગ કરી હતી. ટૂર્નામેન્ટમાં કાનપુર સુપરસ્ટાર્સ તરફથી રમતા સમીરે 10 મેચમાં 50.56ની એવરેજ અને 188.8ના લાઈટનિંગ સ્ટ્રાઈક રેટથી 455 રન ફટકાર્યા હતા.
સમીર યુપી ટી20 લીગમાં ત્રીજો સૌથી વધુ રન કરનાર ખેલાડી હતો. સમીરે ટૂર્નામેન્ટમાં 2 સદી ફટકારી હતી. આ સિવાય તેણે અડધી સદી પણ ફટકારી હતી. સમીર તાજેતરમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ ચમક્યો હતો. સમીર ડોમેસ્ટિક ટી-20 ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન કરનાર 13મો ખેલાડી હતો. સમીરે 7 મેચની 7 ઇનિંગ્સમાં 69.25ની એવરેજ અને 139.90ની સ્ટ્રાઇક રેટથી 277 રન કર્યા હતા.