IPL 2024

IPL ઓક્શન: 19 વર્ષનો કુશાગ્ર છવાયો, દિલ્હી કેપિટલ્સે 7.20 કરોડમાં ખરીદ્યો

દુબઇઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની હરાજીમાં ઘણા ખેલાડીઓને અપેક્ષા કરતા ઘણી વધારે રૂપિયા મળ્યા છે. આ હરાજીમાં વિદેશી ખેલાડીઓની સાથે સ્થાનિક ખેલાડીઓને પણ મોટી રકમ મળી હતી. દિલ્હી કેપિટલ્સે 19 વર્ષના અજાણ્યા ખેલાડી પર 7.20 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. દિલ્હીએ કુમાર કુશાગ્રને તેની બેઝ પ્રાઇઝ કરતા વધુ કિંમત ચૂકવીને ખરીદ્યો હતો. કુશાગ્રએ અંડર-19 ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કર્યું છે. તે ઘરેલુ મેચોમાં ઝારખંડ માટે રમે છે.

કુમાર કુશાગ્રની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા હતી. ચેન્નઈ સુપર કિંગ્સે તેના પર પહેલી બોલી લગાવી હતી. આ પછી ગુજરાત ટાઇટન્સે એન્ટ્રી મારી હતી. અંતમાં ચેન્નઇએ 60 લાખ રૂપિયાની છેલ્લી બોલી લગાવી હતી. આ પછી દિલ્હી કેપિટલ્સે બોલી લગાવવાનું શરૂ કર્યું હતુ. અંતમાં દિલ્હીએ તેને 7.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયામાં કોલકત્તાએ ખરીદ્યો હતો. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ટ્રસ્ટન સટ્સને દિલ્હી કેપિટલ્સે 50 લાખમાં ખરીદ્યો હતો.

ન્યૂ ઝીલેન્ડના ઓલરાઉન્ડર રચિન રવિન્દ્રને ખરીદવા ચેન્નઇએ 1.80 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સને પંજાબ કિંગ્સે 4.20 કરોડ રૂપિયામાં સામેલ કર્યો હતો. ભારતીય ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ચેન્નઈ સુપર કિંગ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઈંગ્લેન્ડના હેરી બ્રુકને સનરાઈઝર્સ હૈદરાબાદે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. છેલ્લી હરાજીમાં હેરી બ્રુક અંદાજે 13 કરોડ રૂપિયામાં વેચાયો હતો.

અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અઝમતુલ્લા ઓમરઝાઈને ગુજરાત ટાઇટન્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ગેરાલ્ડ કોએત્ઝીને મુંબઈ ઈન્ડિયન્સે 5 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો. શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગાને સનરાઇઝર્સ હૈદરાબાદે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ભારતીય વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતને કોલકાતાએ 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button