કોલકાતા: આઈપીએલના પહેલા બે મુકાબલામાં ચેન્નઈ અને પંજાબે હોમ ગ્રાઉન્ડ પર જીત મેળવી ત્યાર બાદ યજમાન કોલકાતાએ ઈડન ગાર્ડન્સમાં વિજયી ડંકો વગાડ્યો હતો.
હૈદરાબાદના હિનરિચ ક્લાસેન (૬૩ રન, ૨૯ બૉલ, આઠ સિક્સર)ની ફટકાબાજી છેવટે એળે ગઈ હતી. તે હૈદરાબાદને વિજયની લગોલગ લાવ્યા બાદ હર્ષિત રાણાની ૨૦મી ઓવરના પાંચમા બૉલ પર સુયશ શર્માના અફલાતૂન ડાઇવિંગ કેચમાં આઉટ થતાં હૈદરાબાદના હાથમાંથી વિજયનો પ્યાલો છીનવાઈ ગયો હતો. એ ફક્ત ચાર રનથી હારી ગયું હતું. લાસ્ટ બૉલ પર હૈદરાબાદને પાંચ રનની જરૂર હતી, પણ કેપ્ટન કમિન્સ એ નહોતો બનાવી શક્યો.
કોલકાતાના ૨૦૮/૭ના જવાબમાં હૈદરાબાદની ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૦૪ રન બનાવી શકી હતી.
હૈદરાબાદના અબ્દુલ સામદ (૧૫ રન) અને શાહબાઝ અહમદ (૧૬ રન)નો પર્ફોર્મન્સ પણ પાણીમાં ગયો હતો. ક્લાસેને ૨૪.૭૫ કરોડ રૂપિયાવાળા સૌથી મોંઘા ખેલાડી મિચલ સ્ટાર્ક (૪ ઓવરમાં ૫૩ રન)ની ૧૯મી ઓવરમાં ચાર સિક્સર ફટકારીને કોલકાતાને ચિંતામાં મૂકી દીધું હતું.
૨૦.૫૦ કરોડ રૂપિયાની કિંમતના પેટ કમિન્સે માત્ર એક વિકેટ લીધી હતી અને પોતાની ટીમને જિતાડી નહોતો શક્યો.
છેલ્લી ઓવરમાં ૧૩ રન નહોતા બની શક્યા.
કોલકાતાનો આન્દ્રે રસેલ (પચીસ બૉલમાં સાત સિક્સર, ત્રણ ફોર સાથે અણનમ ૬૪ તેમ જ પચીસ રનમાં બે વિકેટ) મૅન ઑફ ધ મૅચ ઘોષિત થયો હતો.
શ્રેયસ ઐયર બેટિંગમાં ફ્લૉપ રહ્યો, પણ એની કેપ્ટ્ન્સીમાં કોલકાતાએ આ વખતે વિજય સાથે શરૂઆત કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના હાલના સૌથી સફળ સુકાની પેટ કમિન્સને ઝાંખો પાડી દીધો હતો.