IPL 2024 GT vs DC: માત્ર 16 રન બનાવનારા ઋષભ પંત પ્લેયર ઓફ ધ મેચ, બોલર્સને અન્યાય? જાણો શું છે કારણ

અમદાવાદ: ગઈ કાલે બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ (Narendra Modi Stadium)માં IPLની 17મી સીઝનની 32મી મેચ દિલ્હી કેપિટલ્સ(DC) અને ગુજરાત ટાઇટન્સ(GT) વચ્ચે રમાઈ હતી. આ લો સ્કોરિંગ મેચમાં DCએ GTને 6 વિકેટ હરાવ્યું હતું, આ સાથે DCએ સિઝનની ત્રીજી જીત નોંધાવી હતી. આ મેચમાં દિલ્હીના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમણે ગુજરાત ટાઇટન્સની ટીમને માત્ર 89ના સ્કોર પર ઓલઆઉટ કરી દીધી હતી.
દિલ્હીએ 90 રનનો ટાર્ગેટ 8.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. મેચ બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે પંતને આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો ત્યારે લોકોને આશ્ચર્ય થયું હતું. કેમકે તેણે માત્ર 16 રન જ બનાવ્યા હતાં.
રિષભ પંતે 11 બોલમાં માત્ર 16 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં માત્ર એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. સોશિયલ મીડિયા પર ચાહકોએ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. ક્રિકેટ ચાહકોમાં ચર્ચા છે કે દિલ્હીનો બોલર મુકેશ કુમાર આ એવોર્ડને વધુ લાયક હતો. મુકેશે 2.3 ઓવરના સ્પેલમાં માત્ર 14 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે રિદ્ધિમાન સાહા, રાશિદ ખાન અને નૂર અહેમદની વિકેટ લીધી હતી. આમ છતાં તેને આ એવોર્ડ આપવામાં ન આવ્યો.
આપણ વાંચો: વર્લ્ડ ચૅમ્પિયન સ્પિનરને બાંગલાદેશે વર્લ્ડ કપ સુધી બનાવ્યો સ્પિન-બોલિંગ કોચ
રિષભ પંતને તેની બેટિંગ, કેપ્ટન્સી અને વિકેટકીપિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પંતે ભલે 16 રન બનાવ્યા હોય પરંતુ તેણે આ મેચમાં બે સ્ટમ્પિંગ કર્યા અને બે કેચ પણ લીધા. તેણે ગુજરાતના અભિનવ મનોહરને સ્ટમ્પ કરવા અને ડેવિડ મિલરને આઉટ કરવા માટે અદભૂત કેચ પકડ્યો હતો. તેની કેપ્ટન્સી પણ શાનદાર હતી જેના કારણે ગુજરાત ટાઇટન્સ ટીમ પ્રથમ વખત 100થી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
મેચ બાદ પંતે કહ્યું, “ખુશ થવા માટે ઘણી બધી બાબતો છે. ચોક્કસપણે અમારી બોલિંગ શ્રેષ્ઠ રહી, આ હજુ ટૂર્નામેન્ટની શરૂઆત છે, અમે હજુ પણ સ્થિતિ સુધારી શકીએ છીએ, મેદાન પર આવતા પહેલા એક જ વિચાર હતો કે હું મેદાન પર વધુ સારું પ્રદર્શન કરવા માંગુ છું.”