મુંબઈ: ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકરના પુત્ર અર્જુન તેન્ડુલકરને 2023ની આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી પહેલી વાર રમવા મળ્યું હતું અને એ ટૂર્નામેન્ટમાં ફક્ત ચાર જ મૅચમાં રમવાની તક મળ્યા પછી આ વખતે તો કમાલ જ થઈ. તેને પહેલી 13 મૅચ સુધી બેન્ચ પર બેસાડી રાખવામાં આવ્યો અને શુક્રવારે છેક 14મી અને છેલ્લી મૅચમાં જસપ્રીત બુમરાહના સ્થાને રમવાનો મોકો આપવામાં આવ્યો. જોકે અર્જુનનું આ મોડું કમબૅક માત્ર 14 બૉલ સુધી જ સીમિત રહ્યું હતું.
અર્જુન (2.2-0-22-0)ની પહેલી બે ઓવરમાં માત્ર 10 રન બન્યા હતા. એમાં પણ પહેલી ઓવરમાં તેણે લખનઊ સુપર જાયન્ટ્સના ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ (Marcus Stoinis)ને વારંવાર મુશ્કેલીમાં મૂક્યો હતો. જોકે અર્જુને ત્રીજી ઓવર શરૂ કરી એ પહેલાં તેને પગના સ્નાયુઓ ખેંચાઈ જવાની તકલીફ શરૂ થઈ હતી. ફિઝિયોની મદદ લીધા બાદ તેણે ઓવર શરૂ કરી હતી, પણ પહેલા બન્ને ફુલટૉસમાં નિકોલસ પૂરને છગ્ગા ફટકાર્યા હતા અને અર્જુનનો પગનો દુખાવો અસહ્ય થતાં તેણે
(14મા બૉલ બાદ) બોલિંગ અટકાવી દીધી હતી અને પૅવિલિયનમાં જતો રહ્યો હતો. નમન ધીરે તેની ઓવરના બાકીના ચાર બૉલ ફેંક્યા હતા જેમાં બીજા 17 રન બન્યા હતા. એ આખી ઓવરમાં કુલ 29 રન બન્યા હતા જે છેવટે મુંબઈને ભારે પડ્યા હતા, કારણકે મુંબઈનો 18 રનથી પરાજય થયો હતો. લખનઊના 214/6ના સ્કોર સામે મુંબઈનો 20મી ઓવરને અંતે સ્કોર 196/6 હતો.
અર્જુન તેન્ડુલકરે 2023ની સીઝનમાં ચાર મૅચમાં 92 રનના ખર્ચે ત્રણ વિકેટ લીધી હતી.
અર્જુનને 2023માં મુંબઈ ઇન્ડિયન્સે 30 લાખ રૂપિયામાં મેળવ્યો હતો. આ વખતે તેને શરૂઆતની અમુક મૅચો બાદ રમવાની તક મળશે એવું મનાતું હતું, પણ એવું નહોતું બન્યું. બુમરાહ પહેલી તમામ 13 મૅચ રમ્યો ત્યાર બાદ હવે (બે અઠવાડિયા પછી શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને) તેને 14મી મૅચમાં આરામ અપાયો અને અર્જુનને રમવાનો મોકો મળ્યો હતો જેમાં તે બાવીસ રનમાં એકેય વિકેટ ન લઈ શક્યો. આ મૅચમાં બોલિંગ દરમ્યાન અર્જુન અને ઑલરાઉન્ડર સ્ટોઇનિસ સામસામે આવી ગયા હતા અને એમાં અર્જુનની આક્રમકતા બહાર આવી હતી.
સ્ટોઇનિસે આ મૅચમાં બાવીસ બૉલમાં 28 રન બનાવ્યા હતા અને સ્પિનર પીયૂષ ચાવલાના બૉલમાં એલબીડબ્લ્યૂ થયો હતો.