
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર પ્લેયર હાર્દિક પંડ્યા 22 ઓક્ટોબર રવીવારે ધર્મશાલામાં રમાનારી ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં નહીં રમે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ અંગે પુષ્ટિ કરી છે. હાર્દિકની હેલ્થ અપડેટ આપતાં BCCIએ જણાવ્યું કે હાર્દિકને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો અને તેને આરામની સલાહ આપવામાં આવી છે. તે BCCIની મેડિકલ ટીમની સતત દેખરેખ હેઠળ રહેશે. તે 20 ઓક્ટોબરે ટીમ સાથે ધર્મશાલા નહીં જાય, તે હવે સીધો લખનઉમાં ટીમ સાથે જોડાશે જ્યાં ભારત ઈંગ્લેન્ડ સામે મેચ રમશે.
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના ન્યુઝીલેન્ડ સામેના મેચમાં નહીં રમી શકે સ્પષ્ટ થઇ જતા, ટીમ મેનેજમેન્ટે હાર્દિકના રિપ્લેસમેન્ટ અને ટીમ કોમ્બિનેશન વિશે પરામર્શ કરવો પડશે. મળતી માહિતી મુજબ હાર્દિકની જગ્યાએ સૂર્યકુમાર યાદવને તક આપવામાં આવી શકે છે. બોલિંગ વિભાગમાં શાર્દુલ ઠાકુરને આરામ આપવામાં આવી શકે છે અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.
આ કોમ્બિનેશન મુજબ ભારત પાસે રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે એલ રાહુલ અને સૂર્ય કુમાર યાદવના રૂપમાં છ બેટ્સમેન હશે. આ સાથે જ જાડેજાના રૂપમાં ઓલરાઉન્ડર પણ ટીમમાં હશે. શમી, બુમરાહ અને સિરાજના રૂપમાં ત્રણ ફાસ્ટ બોલર અને કુલદીપ યાદવના રૂપમાં એક સ્પિનર પણ હશે.
30 વર્ષીય હાર્દિક પંડ્યાના આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો તેણે ચાર મેચમાં પાંચ વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 6.84 રહ્યો છે. શ્રેષ્ઠ પ્રદર્શન 34 રનમાં 2 વિકેટ રહ્યું છે. તને માત્ર ઓસ્ટ્રેલિયા સામે એક જ વખત બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. તે મેચમાં તે 11 રન બનાવીને અણનમ રહ્યો હતો. હાર્દિકની ઓવરઓલ ODI કરિયરની વાત કરીએ તો હાર્દિકે 86 ODI મેચમાં 84 વિકેટ ઝડપી છે. તેમજ 11 અડધી સદીની મદદથી 1769 રન બનાવ્યા છે.