ભારતીય બોલરોને વર્લ્ડકપ રમવા અપાય છે ખાસ પ્રકારના બોલ, કોણે કર્યો આવો આક્ષેપ…
આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સારું પ્રદર્શન કરી રહી છે અને સતત સાત મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ સેમિફાઈનલમાં એન્ટ્રી મારી દીધી છે. ગઈકાલની મેચમાં શ્રીલંકા સામે તો ટીમ ઈન્ડિયાનું જે પ્રદર્શન હતું એ ખરેખર કાબિલે તારીફ હતું.
55 રનમાં જ શ્રીલંકન ટીમને ઓલઆઉટ કરીને ટીમ ઈન્ડિયાએ ફાઈનલ પહેલાં જ કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલ જીતી લીધા હતા. મોહમ્મદ શમી, સિરાજ અને બુમરાહની બોલિંગે તો શ્રીલંકન ખેલાડીઓને નાની યાદ અપાવી દીધી હતી. ભારતની આ જીતથી જ્યાં એક તરફ દરેક ભારતીય ખુશ છે ત્યાં પાકિસ્તાનને મરચાં લાગી ગયા છે અને પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર હસન રજાએ એવા આક્ષેપ કર્યા છે કે જે સાવ બાલિશ છે.
હસન રજાએ પાકિસ્તાની ચેનલ સાથે વાત કરતાં તેમણે આઈસીસી, અમ્પાયર અને બીસીસીઆઈ સામે આક્ષેપો કર્યા હતા. હસને જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયાના બોલરને મેચ રમવા અલગ પ્રકારના બોલ આપવામાં આવી રહ્યા છે અને આ બોલ પર એક્સ્ટ્રા લેયર કે કોટિંગ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં બીજી ઈનિંગમાં તો બોલ પણ બદલાઈ જાય છે.
જે રીતે આઈસીસી બોલ આપી રહ્યું છે કે પછી થર્ડ અમ્પાયર પેનલ આપી રહ્યા છે કે બીસીસીઆઈ આપી રહ્યા છે એની તપાસ થવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે 41 વર્ષીય હસન રજાએ પાકિસ્તાન માટે સાત ટેસ્ટ અને 16 વનડે રમી છે. ટેસ્ટ મેચમાં 235 અને વનડેમાં 242 રન કર્યા છે. હસન રજા સૌથી નાની ઉંમરે ટેસ્ટ ડેબ્યુ કરનાર ક્રિકેટર હતા, તેણે પોતાની પહેલી ટેસ્ટ મેચ 14 વર્ષની ઉંમરે રમી હતી.