ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી આ બે બોલર આઉટ
દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમને મોટો આંચકો લાગ્યો છે. બીસીસીઆઈએ સત્તાવાર અપડેટમાં જણાવ્યું હતું કે, મોહમ્મદ શમી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે દીપક ચહરે વનડે શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. BCCIએ દીપક ચહરના સ્થાને યુવા બોલરની જાહેરાત કરી છે. BCCIએ એમ પણ કહ્યું હતું કે શ્રેયસ અય્યર દક્ષિણ આફ્રિકા સામેની બીજી અને ત્રીજી વનડે માટે ઉપલબ્ધ રહેશે નહીં. બોર્ડે રાહુલ દ્રવિડ વિશે પણ સૂચક નિવેદન આપ્યું છે. એક નિવેદનમાં, BCCIએ કહ્યું હતું કે “દ્રવિડ ODI શ્રેણી માટે ટીમ સાથે રહેશે નહીં, તે ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે.”
દીપક ચહર અંગેના સત્તાવાર નિવેદનમાં, BCCIએ કહ્યું હતું કે, ‘દીપક ચહરે બોર્ડને જાણ કરી છે કે તે પારિવારિક તબીબી કારણોસર આગામી ODI શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે નહીં. તેના સ્થાને પસંદગી સમિતિએ આકાશ દીપની વનડે ટીમમાં પસંદગી કરી છે.’
ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી ઈજાના કારણે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર છે અને સંપૂર્ણ રીતે ફિટ નથી. બીસીસીઆઈએ તેના નિવેદનમાં ઉમેર્યું હતું કે, “મોહમ્મદ શમી, જેની ટેસ્ટ શ્રેણીમાં ભાગીદારી ફિટનેસને આધીન હતી, તેને બીસીસીઆઈની તબીબી ટીમ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી અને તેથી શમીને પહેલી બે ટેસ્ટ મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.”
ભારતીય બેટ્સમેન સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયર દક્ષિણ આફ્રિકા સામેની 15-સભ્યોની ODI ટીમમાં હતો પરંતુ, કેટલાક કારણોસર તે બીજી અને ત્રીજી વનડે માટે ઉપલબ્ધ રહેશે નહીં. પ્રથમ વનડે પછી, શ્રેયસ અય્યર ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે ટેસ્ટ ટીમમાં જોડાશે. તે બીજી અને ત્રીજી વનડેમાં રમશે નહીં, પરંતુ આંતર-ટીમ પ્રેક્ટિસ મેચોમાં ભાગ લેશે,’ એમ BCCIએ જણાવ્યું હતું.