ચેન્નઈ: ભારતીય ક્રિકેટનો લેજન્ડ મહેન્દ્રસિંહ ધોની શક્યત: છેલ્લી આઇપીએલ રમી રહ્યો હોય એટલે તેને પ્રત્યક્ષ રમતો જોવાનો મોકો કોણ છોડે. જોકે તેની મૅચ જોવા માટે કંઈ પણ હદ તો પાર ન જ કરાયને? જે કંઈ હોય, પણ હદ વટાવી જાય તેને જ ડાય-હાર્ડ ફૅન કહેવાય.
આઠમી એપ્રિલે ચેન્નઈના ચેપૉકમાં સીએસકેની કેકેઆર સામે મૅચ હતી. આ મુકાબલો રસાકસીભર્યો થશે એમાં કોઈને શંકા નહોતી અને થયું પણ એવું જ. કેકેઆરની ટીમ નવ વિકેટે માત્ર 137 રન બનાવી શકી અને પછી સીએસકેએ 18મી ઓવરમાં ત્રણ વિકેટના ભોગે 141/3ના સ્કોર સાથે લક્ષ્યાંક મેળવી લીધો હતો.
ચેપૉકના સ્ટેડિયમમાં લેવામાં આવેલો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં એક યુવાન ‘થાલા’ એટલે કે એમએસ ધોની પર એટલો બધો આફરીન છે કે તેણે કોઈ પણ હદ વટાવીને આ મૅચની ટિકિટો લેવાનું પસંદ કર્યું હતું. આ યુવાને એવો દાવો કર્યો હતો કે તેણે ધોનીની મૅચ જોવા કુલ 64,000 રૂપિયામાં ટિકિટો ખરીદી હતી. આ શખસે કહ્યું, ‘મારી પાસે જે પૈસા હતા એમાંથી પહેલાં હું આ મૅચની ટિકિટો ખરીદવા માગતો હતો એટલે મેં મારી ત્રણેય દીકરીઓની સ્કૂલની ફી ભરવાનું મુલતવી રાખ્યું અને ટિકિટો મેળવી લીધી. જુઓ, મારી સાથે મારી ત્રણ દીકરીઓ પણ મૅચ જોવા આવી છે.’
આ યુવાને જે દાવો કર્યો એને ક્યાંય પુષ્ટિ તો નહોતી આપવામાં આવી, પણ તેણે એટલું જરૂર કહ્યું હતું કે ‘મને ટિકિટો ન મળી એટલે મેં બ્લૅકમાં ખરીદી. મારે હજી પણ સ્કૂલની ફી ભરવાની બાકી છે. અમે એમએસ ધોનીને એક વાર રમતો જોવા માગતા હતા એટલે આ મોકો ગુમાવવો જ નહીં એવું અમે નક્કી કર્યું હતું.’
વીડિયોમાં તેની એક દીકરીએ કહ્યું, ‘મારા પપ્પાએ આ ટિકિટો મેળવવા ખૂબ મહેનત કરી હતી.’
જોકે સોશિયલ મીડિયા પર ત્રણ દીકરીઓના પિતાની ટીકા થઈ હતી. કેટલાકે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું, ‘આ શખસની પ્રાથમિકતાઓ શું હશે એના પર સવાલ થઈ રહ્યો છે.’