અમદાવાદમાં ગુજરાત(GT)-કોલકાતા(KKR) મૅચ પહેલાં વરસાદ અને વંટોળે કર્યા પરેશાન
અમદાવાદ: અહીં મોટેરાના સ્ટેડિયમમાં 10મી મેએ ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મૅચમાં ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલ (છ સિક્સર, નવ ફોરની મદદથી પંચાવન બૉલમાં 104 રન) તથા સાંઇ સુદર્શન (સાત સિક્સર, પાંચ ફોરની મદદથી 51 બૉલમાં 103 રન)ની જોડીએ બાઉન્ડરીઝનો વરસાદ વરસાવીને ઋતુરાજ ગાયકવાડની ટીમની બાજી બગાડી એના ત્રણ દિવસ બાદ (સોમવારે સાંજે) ગુજરાત-કોલકાતા મૅચ પહેલાં અચાનક ઋતુ બદલાઈ અને મેઘરાજાએ અત્યંત મહત્ત્વની મૅચમાં બાજી બગાડવાની શરૂઆત કરી દેતાંની સાથે જ હજારો પ્રેક્ષકો હતાશ થઈ ગયા હતા.
શરૂઆતમાં તો વરસાદ નહોતો અને ખરાબ વાતાવરણને લીધે રમત શરૂ નહોતી થઈ, પણ પછીથી કમોસમી વરસાદે અને વંટોળે બધાને પરેશાન કરી દીધા હતા.
વીજળી થતી રહેવાને કારણે ખરાબ વાતાવરણના સ્પષ્ટ સંકેત મળ્યો હતો એટલે ટૉસ વિલંબમાં મુકાયો ત્યાર બાદ ભારે પવનને લીધે કેટલાક બૅનર ફાટી ગયા હતા તો કેટલાક ફ્લડ-લાઇટ્સ પર વીંટળાયા હતા.
સ્ટેડિયમમાં પ્રેક્ષકો છત્ર મેળવવાના પ્રયાસમાં હતા ત્યારે કૉમેન્ટેટર્સમાં ચર્ચા હતી કે ભેજવાળા વાતાવરણનો સૌથી વધુ લાભ રાશીદ ખાન, નૂર અહમદ, વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણને થઈ શકે.
કોલકાતાની ટીમ ઇંગ્લૅન્ડ પાછા જતા રહેલા ઓપનર ફિલ સૉલ્ટની ગેરહાજરીને લીધે થોડી નબળી પડી ગઈ હતી, જ્યારે ખરાબ વાતાવરણ વચ્ચે ગુજરાતની ટીમ પ્લે-ઑફ માટે સંઘર્ષ કરી રહી હતી.