વાનખેડેમાં પોતાના પર્ફોર્મન્સથી કરોડો ક્રિકેટફેન્સના હૃદયમાં અનેરું સ્થાન મેળવનાર ગ્લેન મેક્સવેલને તેની ભારતીય પત્નીએ અભિનંદન આપતા લાગણીસભર પોસ્ટ શેર કરી છે. ત્યારે આવો જાણીએ તેમની લવસ્ટોરી વિશે..
ઓસ્ટ્રેલિયા સ્થિત દક્ષિણ ભારતીય કન્યા વિની રમન પર વર્ષ 2013માં ગ્લેન મેક્સવેલનું દિલ આવી ગયું હતું. પહેલી મુલાકાતમાં જ ગ્લેન મેક્સવેલ દિલ હારી બેઠા હતા. ભારતના તમિલનાડુના મૂળિયા ધરાવતા વિની રમન ઓસ્ટ્રેલિયામાં જ જન્મ્યા છે અને તેઓ ત્યાં જ મેડિકલનો અભ્યાસ કરી ફાર્માસિસ્ટ તરીકે કામ કરે છે. વિની રમણના પિતા વેંકટ રમણ અને માતા વિજયાલક્ષ્મી રમણ તેમના જન્મ પહેલા ઓસ્ટ્રેલિયા ગયા હતા. થોડા વર્ષો પછી વિની રમણને ઓસ્ટ્રેલિયન નાગરિકતા મળી.
વિનીએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે વર્ષ 2013માં તેઓ એક કાર્યક્રમમાં મળ્યા હતા. તેમને એકબીજાનો સાથ ગમ્યો હતો જો કે મેક્સવેલને વિનીને ડેટ પર લઇ જવામાં પણ પાંચ વર્ષ લાગ્યા હતા! 2017માં પહેલીવાર તેમણે તેમના સંબંધો પબ્લિકલી જાહેર કર્યા હતા. થોડો સમય ડેટિંગ કર્યા બાદ મેક્સવેલે સામેથી વિનીને પ્રપોઝ કર્યું હતું.
મેક્સવેલે પોતે પણ વિનીનું તેના જીવનમાં શું મહત્વ છે તે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. મેક્સવેલે કબૂલાત કરી હતી કે તેને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી, જેનો સામનો કરવામાં વિનીએ તેને ઘણો સાથ આપ્યો હતો. આ સમસ્યાઓને કારણે તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી બ્રેકની પણ જાહેરાત કરી હતી. વિની એક સપોર્ટ સિસ્ટમની જેમ તેની સાથે ઉભી રહી. તેણે તેના મૂડ સ્વીંગ્સ સહન કર્યા, ટેન્ટ્રમ્સ પણ સહન કર્યાં.
“વિની જ પહેલી વ્યક્તિ હતી જેણે આ સમસ્યાઓ તરફ આંગળી ચીંધી, તેણે કહ્યું કે મારે સાયકોલોજીકલ સહાય લેવી જોઇએ, મને એમ થાય છે કે મારે વિનીનો આભાર માનવો જોઇએ. મારી ગર્લફ્રેન્ડ નંબર 1 છે, મારા મૂડ સ્વિંગ્સ સાથે ડીલ કરવું એ તેના માટે સરળ કામ નહોતું.” ડેટિંગના સમયને યાદ કરતા ગ્લેન મેક્સવેલે જણાવ્યું હતું.
વિની રમન તેમના ભારતીય મૂળિયાઓ સાથે અત્યંત ગંભીરતાથી જોડાયેલા હોવાને કારણે બંનેએ ખ્રિસ્તી અને તમિલ રીતરિવાજો મુજબ લગ્ન કર્યા હતા. ગત વર્ષે જ તેઓ લગ્નગ્રંથિથી બંધાયા હતા, હવે તેઓ એક પુત્રીના માતાપિતા પણ બની ગયા છે.