અમદાવાદ: અહીં મોટેરામાં 1,32,000 પ્રેક્ષકો માટેની ક્ષમતાવાળા ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બૅટિંગ કરવાની તક મળ્યા પછી ગુજરાત ટાઇટન્સના ઓપનર્સ શુભમન ગિલ (104 રન, પંચાવન બૉલ, છ સિક્સર, નવ ફોર) અને સાઇ સુદર્શન (103 રન, 51 બૉલ, સાત સિક્સર, પાંચ ફોર)ની ઓપનિંગ જોડીએ સનરાઇઝર્સ હૈદરાબાદના ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની સ્ટાઇલથી જબરદસ્ત ફટકાબાજી કરી હતી અને છેવટે ગુજરાતે 20 ઓવરમાં 231/3નો સ્કોર મેળવ્યો હતો.
એક તબક્કે એવું લાગતું હતું કે ગુજરાતની ટીમ હૈદરાબાદનો 287/3નો આઇપીએલ-રેકૉર્ડ તોડશે અને કદાચ 300 રન સુધી પણ પહોંચી જશે. જોકે દેશપાંડેની એક ઓવરમાં બન્ને ઓપનર આઉટ થતાં એ આશા પર પાણી ફરી વળ્યું હતું.
સુદર્શન છેક 18મી ઓવરમાં આઉટ થયો એ પહેલાં અનેક તબક્કે તે અને કૅપ્ટન ગિલના વ્યક્તિગત સ્કોર સહિતના આંકડા એકસરખા હતા.
16મી ઓવરને અંતે બન્ને બૅટરના 96-96 રન હતા, બન્ને 48-48 બૉલ રમ્યા હતા અને બન્નેના નામે 6-6 સિક્સર હતી. યોગાનુયોગ, ત્યારે ગુજરાતનો સ્કોર વિના વિકેટે 196 હતો. જોકે સુદર્શનની 18મી ઓવરના બીજા બૉલમાં તુષાર દેશપાંડેએ વિકેટ લીધી ત્યાર બાદ ગિલ એ જ ઓવરના છેલ્લા બૉલમાં દેશપાંડેનો શિકાર થયો હતો.
ચેન્નઈના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે (પડદા પાછળના મુખ્ય સુકાની એમએસ ધોનીની મદદથી) કુલ છ બોલરને બોલિંગ આપી હતી જેમાં માત્ર દેશપાંડેને 33 રનમાં બે વિકેટ મળી હતી. સૅન્ટનરને 31 રનમાં, જાડેજાને 29 રનમાં, ડેરિલ મિચલને બાવન રનમાં, શાર્દુલને પચીસ રનમાં અને સિમરજીત સિંહને 60 રનમાં વિકેટ નહોતી મળી. છેક છેલ્લા બૉલે એમ. શાહરુખ ખાન રનઆઉટ થયો હતો. મિલર 16 રને અણનમ રહ્યો હતો. છેલ્લી ત્રણ ઓવરમાં એકેય ફોર નહોતી ગઈ