મુંબઈ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવી છઠ્ઠી વખત વન-ડે વર્લ્ડ કપ પોતાના નામે કરી લીધો હતો. ભારત ઓસ્ટ્રેલિયાની આ ફાઇનલ મેચમાં બીસીસીઆઇએ ભારતના ભૂતપૂર્વ સુકાની (કેપ્ટન) કપિલ દેવને આમંત્રણ ન આપ્યા હોવાની વાત કપિલ દેવે કાલે મીડિયા સામે કહી હતી.
કપિલ દેવની કેપ્ટન્સી હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે 1983માં પહેલી વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો. ગઈ કાલે ફાઇનલમાં ભારતીય ટીમની હાર બાદ કપિલ દેવે સોશિયલ મીડિયા એવી ખાસ પોસ્ટ કરી છે કે જેને જોઈને ચાહકો તેમની પ્રતિક્રિયા આપવાથી પોતાને રોકી શકતા નથી.
કપિલ દેવે કાલે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી લખી હતી. કપિલે લખ્યું હતું તમે ચેમ્પિયનની જેમ રમ્યા, તેથી તમારું માથું ઝુકાવશો નહીં. ટ્રોફી હંમેશા મનમાં રહે છે, અને તમે વિજેતા સમાન છો. સંપૂર્ણ ભારતને તમારા પર ગર્વ છે. રોહિત તું તારા કામમાં ઘણો માહેર છે. ભવિષ્યમાં ઘણી સફળતાઓ તમારી રાહ જોઈ રહી છે. હું જાણું છું કે તે તમારા માટે આ પળ મુશ્કેલ છે, પણ તમારો ઉત્સાહ બનાવી રહો. ખબર છે કે ભારતીય ટીમ 10 વર્ષથી આઈસીસી ટ્રોફીની રાહ જોઈ રહી છે. ટીમે છેલ્લે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો.
કપિલ દેવની આ ઇન્સ્ટા સ્ટોરી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે, જ્યારે તેની સાથે જ ચાહકો જુદી જુદી કમેન્ટસ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કેપ્ટન રોહિત શર્માને સપોર્ટ કરવા બદલ કપિલ પાજી તમારો આભાર. તો બીજાએ લખ્યું હતું કે ચેમ્પિયન લોકો હંમેશાં ચેમ્પિયનનું મહત્વ સમજે છે.
વર્લ્ડ કપ 2023માં ભારત સતત 10 મેચ જીતી હતી. પણ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે માત્ર 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વર્લ્ડ કપ બાદ 23 નવેમ્બરે ભારતની ટીમ ફરી ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચવાળી ટવેન્ટી-20 સીરિઝ રમશે. ટવેન્ટી-20 સીરિઝ માટે બંને ટીમો પ્લેયર્સની યાદી જારી કરશે.