ચિયરલીડર્સને કેટલા પૈસા મળે છે જાણો છો?
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) એટલે ક્રિકેટ અને મનોરંજનનો સંગમ. ક્રિકેટજગતની સૌથી મોટી અને સમગ્ર ખેલજગતની ટોચની લીગ સ્પર્ધાઓમાં ગણાતી આઇપીએલની દરેક મૅચ મોટા ભાગે છેલ્લી ઓવર સુધી રમાય છે અને એમાં ઑલમોસ્ટ દરેક ઓવરમાં ચોક્કા-છગ્ગાની રમઝટ બોલાવવામાં આવે છે અને વિકેટ પણ પડતી હોય છે. આ સ્થિતિમાં સ્ટેડિયમના હજારો પ્રેક્ષકોને અને કરોડો ટીવી-દર્શકોને ભરપૂર રોમાંચ અને મનોરંજનનો અનુભવ થાય છે.
જોકે સેલિબ્રેશનની દરેક પળ વખતે સ્ટેડિયમમાંના કેટલાક સ્ટેજ પર ચિયરગર્લ્સ (…અને હવે તો ચિયરબૉય્સ પણ) ડાન્સ કરવા આવી જાય છે. મ્યૂઝિક પ્લે થતું રહે ત્યાં સુધી ચિયરલીડર્સ પર્ફોર્મ કરતી રહે છે. એ જ તો તેમની ડ્યૂટી છે.
બૉલીવૂડના ઍક્ટર્સ-ઍક્ટ્રેસીસ ઓપનિંગમાં અને ક્લોઝિંગમાં થોડા સમય સુધી ડાન્સ કરીને લાખો-કરોડો રૂપિયા કમાઈ લે છે, પણ દરેક મૅચમાં કલાકો સુધી પર્ફોર્મ કરતી ચિયરલીડર્સને ખાસ કંઈ પૈસા નથી મળતા હોતા. જોકે આઇપીએલ જેવી સર્વોચ્ચ બ્રૅન્ડની ટૂર્નામેન્ટમાં પર્ફોર્મ કરવા મળે એને તેઓ લહાવો અને તક ગણતી હશે એમાં કોઈ શંકા નથી.
આપણ વાંચો: IPL-2024માં ગુજરાત ટાઈટન્સ તરફથી નહીં રમે હાર્દિક પંડ્યા? આ ખેલાડી સંભાળશે ટીમની કમાન?
ચિયરલીડર્સ મોટા ભાગે અમેરિકા, રશિયા તથા બીજા દેશોની હોય છે. જોકે દેશી સ્ટાઇલમાં ડાન્સ કરવા માટે સજ્જ મૂળ ભારતીય પર્ફોર્મર્સ પણ ઘણી વાર જોવા મળે છે.
ચિયરલીડર્સ આઇપીએલને ગ્લેમર ટચ આપે છે, પણ એ માટે તેમણે માર્ચ, એપ્રિલ, મેની ગરમીમાં ખૂબ મહેનત કરવાની હોય છે. બૅટર જેવો છગ્ગો-ચોક્કો ફટકારે અથવા બોલર જેવી વિકેટ લે એટલે ચિયરલીડર્સે ક્ષણવારમાં પર્ફોર્મન્સ શરૂ કરી દેવો પડે છે.
કોઈને થતું હશે કે અદ્ભુત માહોલમાં કલરફુલ કપડાંમાં સજજ ચિયરલીડર્સને આ પર્ફોર્મન્સ માટે મસમોટી રકમ મળતી હશે. જોકે એ માન્યતા સાચી નથી. કેટલાક અહેવાલો મુજબ દરેક ચિયરલીડરને એક મૅચના 15,000થી 25,000 રૂપિયા મળે છે. એ મૅચ દરમ્યાન તેમણે અનેક વાર ડાન્સ કરવા સ્ટેજ પર આવવું પડે છે. નજીકમાં બેઠેલા પ્રેક્ષકોની અસભ્ય ટિપ્પણીનો પણ તેમણે ક્યારેક સામનો કરવો પડે છે તો અસહ્ય ગરમીમાં ફ્રૅન્ચાઇઝીની અપેક્ષા જેવું પર્ફોર્મ કરવું પડે છે. તેમને માટે મૅચના સ્થળે રહેવાની, ખાવા-પીવાની તથા મુસાફરીની વ્યવસ્થા તેમને જે ફ્રૅન્ચાઇઝીએ બોલાવી હોય તેમના તરફથી કરવામાં આવે છે.
એવું મનાય છે કે કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)નું ફ્રૅન્ચાઇઝી ચિયરલીડરને એક મૅચમાં પર્ફોર્મ કરવાના 24,000થી 25,000 રૂપિયા આપે છે અને જો કેકેઆરની ટીમ સારું રમી હોય અને જીતી હોય તો ચિયરલીડર્સને બોનસ પણ આપવામાં આવતું હોય છે.