બેન્ગલૂરુ: મહેન્દ્રસિંહ ધોની ગયા વર્ષે આઇપીએલનું પાંચમું ટાઇટલ જીત્યો ત્યારે જ આ ટૂર્નામેન્ટને ગુડબાય કરીને તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ જવા માગતો હતો. જોકે ચાહકોનો પ્રચંડ ઉત્સાહ જોઈને તેણે નિર્ણય બદલ્યો અને આ વખતની આઇપીએલમાં પણ રમવાનો છે.
જોકે ધોનીએ તાજેતરમાં મીડિયામાં સંકેત આપ્યો હતો કે આ વર્ષની આઇપીએલમાં પોતાના માટે એક નવો નિયમ લાગુ કરશે.
એના પરથી તેની જ ટીમના નિવૃત્ત ખેલાડી અને હવે કૉમેન્ટરી આપનાર અંબાતી રાયુડુએ શુક્રવારે પીટીઆઇને કહ્યું હતું કે ‘ધોની આ વખતે ઇમ્પૅક્ટ પ્લેયરના નિયમનો અલગ રીતે લાભ લેશે એવું મને લાગે છે. મને લાગે છે કે તે મિડલની ઓવર્સ દરમ્યાન પોતાને મેદાન પર સક્રિય નહીં રાખે અને ટીમના કોઈ ખેલાડીને કૅપ્ટન તરીકે પ્રમોટ કરશે. એ જોતાં સીએસકે માટે આ વખતની આઇપીએલ મોટા પરિવર્તનની ટૂર્નામેન્ટ બની રહેશે.’
રાયુડુનું એવું પણ કહેવું હતું કે ‘ધોની કદાચ બૅટિંગમાં પોતાને પ્રમોટ કરવાને બદલે કોઈ યુવા બૅટરને આગળ મોકલશે. એનું સૌથી મોટું કારણ એ છે કે ન્યૂ ઝીલૅન્ડનો ડેવૉન કૉન્વે ઈજાને લીધે નથી રમવાનો એટલે ધોની યુવા બૅટરને ઉપરના ક્રમે મોકલવાનું નક્કી કરશે.’