ભારત-અફઘાનિસ્તાન મેચ પહેલા ટીમ ઇન્ડિયાને પડ્યો મોટો ફટકો, ચાહકો થશે નિરાશ
ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવીને ભારતે ઘરઆંગણે યોજાયેલા વર્લ્ડકપમાં એક સારી શરૂઆત કરી છે પરંતુ ટીમ ઇન્ડિયા સામે હજુ પણ ઘણી બધી મુશ્કેલીઓ છે જે તેને વર્લ્ડ કપમાં નડી શકે છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓપનર શુભમન ગીલ ડેન્ગ્યુને કારણે રમી શકશે કે કેમ તે અંગે સતત અટકળો ચાલી રહી હતી એવામાં BCCI એ આજે સોશિયલ મીડિયા સાઇટ X પર ટ્વીટ કરીને શુભમન ગીલની હેલ્થ અપડેટ અંગે મોટી જાહેરાત કરી છે.
BCCI દ્વારા મેડિકલ અપડેટમાં જણાવવામાં આવ્યું છે કે શુભમન અફઘાનિસ્તાન સામે રમાનાર ODI World Cup 2023ની બીજી મેચમાં પણ સામેલ થઇ શકશે નહીં. તે ચેન્નઈમાં રહીને પોતાની સારવાર કરાવશે. ભારતીય ટીમ આજે બીજી મેચ રમવા માટે દિલ્હી જશે પરંતુ ગીલ ટીમ સાથે નહીં હોય. તે ચેન્નઈમાં જ રહીને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે. દિલ્હીમાં 11 ઓક્ટોબરે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ યોજાવાની છે.
ઓસ્ટ્રેલિયા સામે જે મેચ યોજાઇ હતી તેમાં શુભમનની જગ્યાએ ઇશાન કિશનને સામેલ કરવામાં આવ્યો હતો. તેને કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ માટે ઉતારવામાં આવ્યો હતો. જો કે તેનું પ્રદર્શન એટલું ખાસ રહ્યું ન હતું.