ઈન્ડિયન પ્રીમિયર લીગ રમી રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેમના કેપ્ટન ઋષભ પંતને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સના ધીમા ઓવર રેટના ગુનાને કારણે ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પંતને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. પંતની ટીમે રાજસ્થાન રોયલ્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની 56 નંબરની મેચ દરમિયાન ધીમી ઓવર રેટથી બોલિંગ કરી હતી. આ મેચ 7 મે 2024ના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાઈ હતી.
આઈપીએલ આચાર સંહિતા હેઠળ આ સીઝનમાં પંતની ટીમનો આ ત્રીજો ગુનો હતો, જેના કારણેરિષભ પંતને 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. ટીમના ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનના બાકીના સભ્યોને વ્યક્તિગત રીતે રૂ. 12 લાખ અથવા તેમની સંબંધિત મેચ ફીના 50 ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.
સ્લો ઓવર રેટ સંબંધિત IPLના નિયમો અંતર્ગત, જો કોઈ ટીમનો કેપ્ટન પહેલો ગુનો કરે છે તો તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો તે કેપ્ટન IPL સિઝનમાં બીજી વખત સ્લો ઓવર રેટનો ગુનો કરે છે, તો 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જો ત્રીજી વખત ભૂલ થાય છે, તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવે છે.