ICC મેન્સ વર્લ્ડ કપ 2023ની 29મી મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવી ટૂર્નામેન્ટમાં સતત છઠ્ઠી જીત મેળવી હતી. રવિવારે લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વિના શૂન્ય પર આઉટ થઇ ગયો હતો. વિરાટના આઉટ થયા બાદ ઇંગ્લેન્ડ ટીમની ફેન આર્મી ‘બાર્મી આર્મી’એ સોશિયલ મીડિયા પર વિરાટની મજાક ઉડાવતા એક પોસ્ટ કરી હતી, ત્યાર બાદ ભારતીય બોલરોએ ઇંગ્લેન્ડના બેટ્સમેનોને ધૂળ ચટાડ્યા બાદ ભરતીય ફેન આર્મીએ વળતો જવાબ આપ્યો હતો.
વિરાટ કોહલી શૂન્ય પર આઉટ(ગોલ્ડન ડક) થયા પછી તરત જ, બાર્મી આર્મીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી, જેમાં પાણીમાં તરતી બે બતક માંથી એક બતકના મોંની જગ્યાએ વિરાટનો ચહેરો લગાવ્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું કે, ‘હું મોર્નિંગ વોક પર નીકળ્યો છું.’
ઈંગ્લેન્ડની ઈનિંગ દરમિયાન બેટ્સમેનો ભારતીય બોલરો સામે ટકી ન શક્યા. અડધી ટીમ પચાસના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગઈ હતી. વિરાટ ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો, જ્યારે ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ અને બેન સ્ટોક્સ પણ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા. રૂટ અને સ્ટોક્સના આઉટ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમની ફેન આર્મીએ વિરાટની જગ્યાએ બંને ઈંગ્લીશ બેટ્સમેનની તસવીર પોસ્ટ કરી. રૂટની તસવીરમાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘હું સાંજે ફરવા નીકળ્યો છું.’
ત્યારબાદ મર્ક વૂડ પણ શૂન્ય રને આઉટ થઇ ગયો. ભારતીય ફેન આર્મીએ ‘ગુડ નાઈટ’ના કેપ્શન સાથે જો રૂટ, બેન સ્ટોક્સ અને માર્ક વૂડને બતક બતાવતી તસવીર શેર કરી. આ ત્રણેય ખેલાડીઓ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા.
વર્લ્ડ કપ 2019 ની વિજેતા ટીમ, ઈંગ્લેન્ડ આ ટૂર્નામેન્ટમાં છમાંથી પાંચ મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. ટીમ ઈન્ડિયા સતત છઠ્ઠી મેચ જીતીને પ્રથમ સ્થાને યથાવત છે.