ODI વર્લ્ડ કપ 2023માં આત્મવિશ્વાસથી ભરપૂર ભારતીય ટીમ આજે પુણેના મેદાનમાં જીતનો ચોક્કો લગાવવા મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ આજે બાંગલાદેશ સાથે ટક્કર લેશે. આ મેચ પુણેમાં બપોરે 2.00 વાગ્યે શરૂ થશે.
આ વર્લ્ડ કપમાં તાજેતરની બે મેચમાં મોટા અપસેટ જોવા મળ્યા છે. ઈંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામે નેધરલેન્ડની જીત બાદ હરીફ ટીમને નબળી ગણવાની ભૂલ કોઇને પાલવે એમ નથી. ભારત સામેની છેલ્લી ચાર મેચમાં બાંગલાદેશનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને, રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ટીમે સાવચેતી રાખીને રમત રમવી પડશે. બાંગલાદેશે છેલ્લી ચાર વનડેમાંથી ત્રણમાં ભારતને હરાવ્યું છે. આમાં સૌથી તાજેતરમાં એશિયા કપની મેચમાં તેણે ભારતીય ટીમને છ રનથી હરાવ્યું હતું.
વર્લ્ડ કપમાં ભારત અને બાંગલાદેશ 4 વખત સામસામે આવી ચૂક્યા છે. ટીમ ઈન્ડિયા 2007માં બાંગલાદેશ સામે માત્ર એક જ વખત હારી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ 2011, 2015 અને 2019ના વર્લ્ડ કપમાં બાંગલાદેશ સામે જીત મેળવી હતી. આ ચારેય પ્રસંગે ટીમ ઈન્ડિયાએ બાંગલાદેશ સામે પ્રથમ બેટિંગ કરી હતી. બાંગલાદેશ ટીમ માટે સૌથી મોટો પડકાર રોહિત શર્માનો સામનો કરવાનો રહેશે. શાનદાર ફોર્મમાં રહેલા રોહિતે આ ટીમ સામે 2015 (મેલબોર્ન) વર્લ્ડ કપ મેચમાં 137 રન અને 2019 (બર્મિંગહામ) વર્લ્ડ કપમાં 104 રનની ઇનિંગ્સ રમી છે. 2007ના વર્લ્ડ કપમાં બાંગલાદેશ સામે અપસેટનો સામનો કર્યા બાદ ભારત સતત ત્રણ વખત 300થી વધુ રન બનાવવામાં સફળ રહ્યું છે. ભારતીય કેપ્ટનની વર્લ્ડ કપમાં રેકોર્ડ સાત સદી છે અને તે ભારતીય સમર્થકોથી ભરેલા મેદાનમાં વધુ એક પ્રભાવશાળી ઇનિંગ રમવા માટે તૈયાર છે. ભારતીય બેટ્સમેનો ટુર્નામેન્ટમાં ફુલ ફોર્મમાં છે. કોહલી, શ્રેયસ ઐયરની જોરદાર બેટિંગથી ભારતીય ટીમ રનનો ખડકલો કરવા સક્ષમ છે. જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવના બોલીંગ આક્રમણે હરીફ ટીમોને બાંધી રાખી છે.
બાંગલાદેશ માટે સારા સમાચાર એ છે કે તેમનો કેપ્ટન શાકિબ અલ હસન તેની ઈજામાંથી સાજો થઈ ગયો છે. વિશ્વ કપની પ્રથમ મેચમાં જીત અને વધુ સારી ટીમો સામેની બે હાર બાદ બાંગલાદેશ નિરાશ થઈ ગયું છે. એવામાં સતત ત્રીજી હાર બાદ ટીમ માટે સેમિફાઇનલમાં પહોંચવાનો રસ્તો ઘણો મુશ્કેલ બની જશે. પ્રથમ ત્રણ મેચમાં લિટન દાસ અને મેહદી હસન મિરાઝ એક-એક અડધી સદી ફટકારવામાં સફળ રહ્યા હતા, પરંતુ નઝમુલ હસન શાંતો અને તૌહીદ હૃદય જેવા યુવા ખેલાડીઓએ નિરાશ કર્યા હતા. મિડલ ઓર્ડરમાં માત્ર મુશ્ફિકુર રહીમ મોટી ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યો હતો. અનુભવી ઝડપી બોલર તસ્કીન અહેમદ અને મુસ્તાફિઝુર રહેમાન વિકેટ લેવા માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે. બાંગલાદેશના બોલરો ઇનિંગની શરૂઆતમાં દબાણ બનાવવામાં પણ નિષ્ફળ રહ્યા છે.
વર્લ્ડ કપ માટેની બંને ટીમો આ પ્રમાણે છે-
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ.
બાંગલાદેશની ટીમઃ શાકિબ અલ હસન (કેપ્ટન), લિટન દાસ, તનજીદ હસન તમીમ, નઝમુલ હસન શાંતો, તૌહીદ હૃદય, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ રિયાદ, મેહદી હસન મિરાજ, નસુમ અહેમદ, મહેદી હસન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, હસન મહેમૂલ, શરીફ, શરીફ. ઇસ્લામ અને તનઝીમ હસન સાકિબ.
Taboola Feed