હૈદરાબાદ: લખનઊ સુપર જાયન્ટ્સે યજમાન સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની અત્યંત મહત્ત્વની લીગ મૅચમાં બૅટિંગ લીધા બાદ 66 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધા પછી છેવટે 165/4નો સન્માનજનક સ્કોર હાંસલ કરીને પૅટ કમિન્સની ટીમને 166 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો.
ગુજરાત અને મુંબઈ સહિત તળિયાની ઘણી ટીમોના ભાવિ નક્કી કરી શકનારી આ મૅચના પરિણામને અસર કરી શકે એવા લખનઊની ઇનિંગ્સમાં ઘણા વળાંકો આવ્યા હતા.
કૃણાલ પંડ્યા (24 રન, 21 બૉલ, બે સિક્સર) કમિન્સના હાથે રનઆઉટ થયો ત્યારે લખનઊનો સ્કોર માત્ર 66 રન હતો અને સવાસો જેટલા રન પણ થશે કે નહીં એવી શંકા હતી. જોકે આયુષ બદોની (પંચાવન અણનમ, 30 બૉલ, નવ ફોર) અને નિકોલસ પૂરન (48 અણનમ, 26 બૉલ, એક સિક્સર, છ ફોર) વચ્ચેની પાંચમી વિકેટ માટેની માત્ર બાવન બૉલમાં બનેલી 99 રનની ભાગીદારીએ હૈદરાબાદની પાસાં ઊલટા પાડ્યા હતા.
લખનઊની ટીમે પહેલી 13 ઓવરમાં ચાર વિકેટે 73 રન બનાવ્યા હતા, જ્યારે છેલ્લી સાત ઓવરમાં એકેય વિકેટ ગુમાવ્યા વગર 92 રન બનાવ્યા હતા.
ખાસ કરીને કૅપ્ટન કમિન્સની 20મી ઓવરમાં બદોનીએ ફોર ફટકારવાનું શરૂ કર્યું અને તેના એક રન બાદ પૂરને ઓવરના બાકીના બૉલમાં ત્રણ ફોર સાથે કુલ 14 રન ઝૂડી કાઢ્યા હતા. એ ઓવરમાં 19 રન બન્યા હતા. હજી નટરાજનની આગલી (19મી) ઓવરમાં 15 રન બન્યા હતા.
માત્ર ભુવનેશ્ર્વર કુમાર (4-0-12-2)ની બોલિંગ પ્રશંસનીય હતી. પૅટ કમિન્સને એક વિકેટ 47 રનના ખર્ચે પડી હતી, જ્યારે ટી. નટરાજનને 50 રનમાં એકેય વિકેટ નહોતી મળી.
એ પહેલાં, કૅપ્ટન કે.એલ. રાહુલ 29 રન બનાવીને અને ક્વિન્ટન ડિકૉક બે રન તેમ જ માર્કસ સ્ટોઇનિસ ત્રણ રન બનાવીને આઉટ થયો હતો.
Taboola Feed