કોહલીએ ગંભીરને ઘૂરકીને જોયો કે તરત એની ફૂટેજ વાઇરલ થઈ ગઈ

બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) વચ્ચે જ્યારે પણ જ્યાં પણ મૅચ રમાય ત્યારે એ મુકાબલો કંઈક જુદો જ હોય છે. ભિન્ન એ માટે કે એમાં ખાસ કરીને વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે થોડીઘણી તો મચ-મચ થતી જ હોય છે. કોહલી આરસીબીનો મુખ્ય બૅટર છે, જ્યારે તાજેતરમાં જ રાજકારણમાંથી સંન્યાસ લેનાર ગૌતમ ગંભીર કેકેઆરનો મેન્ટર છે.
2023ની ગઈ સીઝનમાં ગંભીર લખનઊ સુપર જાયન્ટ્સનો કોચ હતો અને ત્યારે આરસીબીની ટીમ સામેની લખનઊની મૅચ હતી ત્યારે પણ કોહલી-ગૌતમ વચ્ચે મામલો ગંભીર થઈ ગયો હતો. એ ઘટનાને પગલે કોહલી અને ગંભીર, બન્નેને મોટી પેનલ્ટી કરવામાં આવી હતી.
બેન્ગલૂરુમાં શુક્રવારે સાંજે મૅચ શરૂ થયા પહેલાં પ્રૅક્ટિસ દરમ્યાન કોહલી પોતાના એરિયામાંથી કેકેઆરના મેન્ટર ગંભીરને ઘૂરકી રહેલો જોવા મળ્યો હતો. એ ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે.
ખુદ કેકેઆરે તસવીરો ટ્વિટર પર પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે, ‘ક્રિકેટની આ તસવીરો જે ખૂબ હિટ થઈ છે.’
ફાસ્ટ બોલર વરુણ ઍરોને એક મુલાકાતમાં કહ્યું, ‘હું કોઈ વિવાદ ઊભો નથી કરવા માગતો, પણ હું બાઉન્ડરી લાઇનની બહાર ઊભો હતો અને મેં જોયું કે ગંભીર બેન્ગલૂરુના ડગઆઉટની લગોલગ ઊભો હતો. ત્યાં શું થઈ શકે એ વિશે મેં કંઈ જ કલ્પના નહોતી કરી, પણ વિરાટના દિલમાં આગ તો જરૂર ભભૂકતી હશે જ. મને ખાતરી હતી કે કેકેઆરના ડગઆઉટ સામે જોતાં જ તેનામાં ભરપૂર જોશ આવી ગયો હશે.’