IPL 2024
અશ્ર્વિન આવ્યો હાર્દિકની તરફેણમાં, ફૅન્સને કહ્યું, ‘બીજા કોઈ દેશમાં આવું જોયું છે તમે?’

નવી દિલ્હી: ગુજરાત ટાઇટન્સની ટીમ છોડીને મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં રોહિત શર્માના સ્થાને કૅપ્ટન બનેલા હાર્દિક પંડ્યાનો અમદાવાદમાં અને હૈદરાબાદમાં પ્રેક્ષકોએ હુરિયો બોલાવ્યો તેમ જ હાર્દિકના સુકાનમાં મુંબઈની ટીમ પહેલી બન્ને મૅચ હારી ગઈ અને ખુદ કૅપ્ટન સારું પર્ફોર્મ કરવામાં નિષ્ફળ જઈ રહ્યો છે એ બદલ તેની જે હદે ટીકા થઈ રહી છે એને ધ્યાનમાં લઈને પીઢ ભારતીય ઑફ-સ્પિનર અને રાજસ્થાન રૉયલ્સના ખેલાડી રવિચન્દ્રન અશ્ર્વિને પોતાની યુટ્યૂબ ચૅનલ પર હાર્દિકની તરફેણ કરતા તેમ જ તેના વિરોધી તથા ટીકાકારોને ચાબખા મારતા નિવેદનો કર્યા છે:
આપણ વાંચો: IPL-2024ના MI Captain Hardik Pandyaના સમર્થનમાં આવ્યો બોલીવૂડનો આ એક્ટર…
- સ્ટેડિયમોમાં તેમ જ સોશિયલ મીડિયામાં હાર્દિક પંડયા સામેના વિરોધનો વંટોળ બીજું કંઈ નહીં, પણ ‘ફૅન્સ વૉર’ અને ‘સિનેમા કલ્ચર’નું પરિણામ છે.
- ફૅન્સ-વૉર ક્યારેય પણ આટલી હદ સુધી નીચે ન ઉતરી જવી જોઈએ. દરેકે યાદ રાખવું જોઈએ કે આ ખેલાડીઓ કયા દેશનું (આપણા દેશનું) પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. કોઈ ક્રિકેટરની આટલી હદ સુધી બદબોઈ કરવી જ શું કામ જોઈએ.
- મને એ નથી સમજાતું કે જો કોઈને કોઈ પ્લેયર પસંદ ન હોય અને તેનો હુરિયો બોલાવે તો તેની ટીમે શા માટે સ્પષ્ટતા માટે આગળ આવવું જોઈએ? ન તો પ્લેયરે (હાર્દિકે) કે ન તો તેના ટીમ-મૅનેજમેન્ટે આમાં આગળ આવીને કંઈ કહેવાની જરૂર છે. જે કંઈ સ્થિતિ નિર્માણ થઈ છે એ માટે ફૅન્સ જ જવાબદાર છે.
- આ ક્રિકેટ છે અને સિનેમા કલ્ચરથી પણ આપણે બધા સારી રીતે પરિચિત છીએ. માર્કેટિંગ, પૉઝિશનિંગ અને બ્રૅન્ડિંગનો પણ આ યુગ છે.
- આપણા દેશમાં ખેલાડી સાથે (હાર્દિક સાથે) એવો વ્યવહાર થઈ રહ્યો છે જાણે અગાઉ એવો કોઈ કિસ્સો બન્યો જ ન હોય. (રોહિત શર્માએ હાર્દિકના હાથ નીચે રમવું પડી રહ્યું છે એ બાબતમાં). સૌરવ ગાંગુલી ભૂતકાળમાં સચિન તેન્ડુલકરની કૅપ્ટન્સીમાં રમ્યો હતો અને એનાથી ઊલટું પણ બન્યું હતું. તેઓ બન્ને રાહુલ દ્રવિડના સુકાનમાં રમ્યા હતા. એ ત્રણેય દિગ્ગજો અનિલ કુંબલેની અન્ડર રમ્યા હતા અને તેઓ બધા એમએસ ધોનીની કૅપ્ટન્સીમાં રમ્યા હતા. ખુદ ધોની એક સમયે વિરાટ કોહલીના નેતૃત્વવાળી ટીમમાં રમ્યો હતો.
- (ક્રિકેટપ્રેમીઓને નિશાન બનાવતા) શું તમે આવું અન્ય કોઈ દેશમાં બનતું જોયું છે? જો રૂટ અને ઝૅક ક્રૉવ્લીના ચાહકો આપસમાં લડતા-ઝઘડતા જોયા છે? શું જો રૂટ અને જૉસ બટલરના ચાહકો વચ્ચે કોઈ ખટરાગ હોય એવું ક્યારેય જોયું છે? શું ઑસ્ટ્રેલિયામાં સ્ટીવ સ્મિથ અને પૅટ કમિન્સના ચાહકો અંદરોઅંદર ઝઘડતા હોય છે કે તેમની વચ્ચે આટલી હદે મતભેદ હોય છે?
- આપણે બધાએ એક થઈને ખેલકૂદનો અને આપણને પસંદ હોય એ ખેલાડીના પર્ફોર્મન્સનો આનંદ ઉઠાવવાનો હોય. એ આનંદ કોઈ અન્ય પ્લેયરને નીચો દેખાડીને ન ઉઠાવવો જોઈએ.