
બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) સામે 47 રનથી પરાજય થયા બાદ રિષભ પંતની ગેરહાજરીમાં દિલ્હી કૅપ્ટિલ્સની ટીમનું સુકાન સંભાળનાર અક્ષર પટેલે મૅચ પહેલાં નાના ઇન્ટરવ્યૂમાં ટીમના મૂળ સુકાની પંતના સસ્પેન્શન પછીના મિજાજ વિશે પૂછાતાં કહ્યું, ‘એક મૅચનું સસ્પેન્શન લાગુ કરાતાં રિષભ ખૂબ ગુસ્સે થયો હતો. મૅચમાં (ઓવર પૂરી કરવામાં) મોડું બોલર કરે અને સજા કૅપ્ટને ભોગવવી પડે. જોકે રિષભ સ્ટેડિયમમાં જ છે, ખૂબ ઉત્સાહક અભિગમ સાથે આવ્યો છે અને અમને બધાને સલાહ આપી છે કે તે આ મૅચમાં અમારા બધાની સાથે નથી એવું માનતા જ નહીં અને બેસ્ટ પર્ફોર્મ કરવા પર જ એકાગ્રતા રાખજો.’
દિલ્હીની ટીમે ત્રણ મૅચમાં નિર્ધારિત સમયમાં ઓવર્સ પૂરી નહોતી કરી. દિલ્હીની ટીમથી સ્લો ઓવર-રેટનો ત્રીજી વાર ભંગ થયો એટલે રિષભને એક મૅચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો અને 30 લાખ રૂપિયાનો તેને દંડ પણ કરાયો. ટીમના દરેક ખેલાડી (ઇમ્પૅક્ટ પ્લેયર સહિત)ની મૅચ-ફીમાંથી 12 લાખ રૂપિયા કાપી નાખવામાં આવ્યા હતા.
દિલ્હીની ટીમે પહેલા બૅટિંગ કરી હતી, પરંતુ ચાર કૅચ છોડ્યા એનો બેન્ગલૂરુની ટીમને ઘણો લાભ થયો અને બેન્ગલૂરુની ટીમ 9 વિકેટે 187 રન બનાવી શકી હતી.
દિલ્હીની ટીમ 140 રનમાં ઑલઆઉટ થઈ જતાં બેન્ગલૂરુનો 47 રનથી વિજય થયો અને દિલ્હી કરતાં હવે બેન્ગલૂરુની ટીમને પ્લે-ઑફ માટે વધુ તક છે.