વર્લ્ડ કપની સાતમી મેચ બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. ધર્મશાલામાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેનોએ આક્રમક બેટિંગ કરી મોટો સ્કોર ખડક્યો હતો. જોની બેયરસ્ટોએ 52 રનની ઇનિંગ રમી હતી અને બીજી તરફ ડેવિડ મલાને 107 બોલમાં 140 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 16 ફોર અને 5 સિક્સ પણ ફટકારી હતી.
મલાને આ ઇનિંગ સાથે ઘણા નવા રેકોર્ડ પણ બનાવ્યા હતા. ડેવિડ મલાન હવે સૌથી ઓછી ઇનિંગ્સમાં 6 વન-ડે સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. બાંગ્લાદેશ સામે સદી ફટકારીને તેણે ઘણા મોટા દિગ્ગજોની સાથે સાથે ઉભરતા યુવા ખેલાડીઓના રેકોર્ડ પણ પાછળ છોડી દીધા છે.
ડેવિડે વન-ડેમાં માત્ર 23 ઇનિંગ્સમાં 6 સદી ફટકારી છે. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ યાદીમાં તેની પાછળ પાકિસ્તાનનો ઈમામ ઉલ હક છે, જેણે 27 વન-ડે ઇનિંગ્સમાં 6 સદી ફટકારી હતી. ત્રીજા નંબર પર શ્રીલંકાના પૂર્વ ઓપનર ઉપુલ થરંગા છે, જેણે 29 ઇનિંગ્સમાં 6 વન-ડે સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
આ યાદીમાં ચોથા સ્થાને પાકિસ્તાન ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન બાબર આઝમ છે, જેમણે 32 વન-ડે ઇનિંગ્સમાં 6 સદી ફટકારી છે. આ યાદીમાં પાંચમો ખેલાડી દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ હાશિમ અમલા છે, જેણે 34 વન-ડે ઇનિંગ્સમાં 6 સદી ફટકારી હતી. આ યાદીમાં છઠ્ઠા નંબર પર ભારતના યુવા બેટ્સમેન શુભમન ગિલ છે, જેણે 35 વન-ડે ઇનિંગ્સમાં 6 સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને